ગુજરાત
News of Thursday, 24th November 2022

ભાજપે કોંગ્રેસને ચા પીવડાવી મનાવી લીધા, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ જીતે છે તેનું કારણ માત્ર કોંગ્રેસઃ એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીના પ્રહારો

કોંગ્રેસે મુસ્‍લિમ સમાજને ગોધરામાં ટિકીટ ન આપી એટલે મારા ઉમેદવાર ઉભા રાખ્‍યાઃ અસદુદ્દીન ઓવૈસી

અમદાવાદઃ એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. તેમણે ભાજપ-કોંગ્રેસ અને આપ પર નિશાન સાધ્‍યુ હતુ. ઓવૈસીએ મોરબી બ્રિજ હોનારત, બિલ્‍કીસબાનુ કેસ અને લવ જેહાદના મુદ્દાઓ ઉઠાવ્‍યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી ભાજપ, કોંગ્રેસ અને આપ પર નિશાન તાંકી રહ્યા છે. ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવ્યો છે.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસને ચા પીવડાવીને મનાવી લીધી છે. માત્ર ચા જ નહીં પણ તેની સાથે મલાઈ પણ છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જીતે છે તેનું કારણ માત્રને માત્ર કોંગ્રેસ છે. 

ઓવૈસીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે મુસ્લિમ નેતાને ટિકિટ ના આપી એટલે મારે મેદાનમાં આવવું પડ્યું હતું. આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે, અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમદાવાદના જમાલપુરમાં બંધ ફેક્ટરી ખોલવા માટે જો સાબીર કાબુલીવાલા અને હું  પીએમ મોદીની કારની સામે સૂવું પડશે તો તેઓ સૂઈ જઈશું.

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, તૂટેલી ગાડીને શો રૂમ જેવી નવી બનાવી દો છો ગોધરા વાળા તો અમારા કેન્ડીડેટને એમએલએ બનાવી દેજો. ગોધરા દાંડિયા બનાવવા માટે વિશ્વ પ્રખ્યાત છે. કોંગ્રેસ જૂઠું બોલે છે. હું જુઠા આક્ષેપોની પરવાહ કરતો નથી, કોંગ્રેસ હંમેશા ખોટા આક્ષેપો કરે છે. ઓવૈસીએ પબ્લિકને પૂછ્યું, ગોધરામાં ભાજપનો ઉમેદવાર સી.કે.રાઉલજી સન્સકારી છે? 

ઓવૈસીએ રાહુલ ગાંધી પર સીધા આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક બાબા યાત્રા કરવા નીકળ્યા છે. મોદીજી ગોધરા આવીને અહીં ના વિકાસની ચિંતા કરો. ભાજપનો કેન્ડીડેટ છે એને મુસ્લિમ વિસ્તારમાં કામ નથી કર્યું. મારે ગોધરામાં ધરણા કરીને કામ ન કરાવવું પડે એ યાદ રાખજો, પછી કહેતા નહિ. ગોધરામાં ભાજપ દિલ્હીમાં ભાજપ ગુજરાતમાં ભાજપ તો પણ કેમ કામ નથી કરતા. 

ઓવૈસીએ કહ્યું, ભાજપ મને નફરત કરે છે. આસામના મુખ્યમંત્રી ગુજરાતમાં છે અને ભાષણમાં કહ્યું, આફતાબની ખૂની કહાની લવ જેહાદ છે. આસામના મુખ્યમંત્રીએ લવ જેહાદ માટે આફતાબનું નામ લે છે તો પોતાની સાથે રહેતી યુવતીનું કતલ કરવાવાળા રાહુલ અને અન્ય એક કાતિલ મનોજનું નામ કેમ નથી લેતા. આઝમ ગઢના પ્રિન્સ યાદવે પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી ટુકડા કરી નાખ્યા કેમ એનું નામ નથી લેતા. ભાજપને ખાલી આફતાબનું નામ યાદ આવે છે. ટીવી વાળા નફરત જ બતાવે છે. 

ઓવૈસીએ કહ્યું, આસામ અને ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનથી મારો સવાલ છે કે, બીલકિસબાનુંનો કયો ધર્મ હતો. બીલકિસબાનું ના આરોપીઓને કેમ છોડ્યા. શુ ભાજપ બીલકિસબાનું માટે બોલશે. મોદી મુખ્યમંત્રી હતા તેજ છે પ્રધાનમંત્રી બન્યા તો પણ નથી બદલ્યા. યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનું બીજેપી કહે છે, ગુજરાત વિધાનસભામાં જો આ કાયદો લાવવામાં આવશે તો કોંગ્રેસ એની વિરુદ્ધ નહિ બોલે. મારી પાસે 2 વર્ષનો હિસાબ માંગો છો તો તમે 27 વર્ષનો હિસાબ આપો. કોંગ્રેસે મુસ્લિમ નેતાને ગોધરામાં ટીકીટ ન આપી એટલે મારા ઉમેદવારને ઉભા રાખ્યા. જેને બીલકિસબાનું ના રેપ કરવા વાળાને સંસ્કારી કહ્યા તો અમે એવા લોકો ક્યારેય નથી ભૂલતા. 

ઓવૈસીનો કોંગ્રેસ પર ગંભીર આરોપ

કોંગ્રેસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસ પોતાને વેચવા અને ખરીદવામાં માહેર છે. કોંગ્રેસે અમારા એક ઉમેદવારને 20 લાખમાં ખરીદ્યો. હૈદરાબાદથી રાહુલ ગાંધીને લડાવો, હું તેમની ડિપોઝીટ પણ જપ્ત કરી લઈશ. કોંગ્રેસનો વિનાશ શરૂ થઈ ચૂક્યો છે. તમે 27 વર્ષથી ભાજપમાં જોડાઈને તેમને સફળ બનાવ્યા છે. 2024માં કોંગ્રેસને માત્ર 24 સીટો મળશે.

વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીએ ઉઠાવ્યો આ મુદ્દો

નોંધપાત્ર વાત એ છે કે, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ભાજપ, કોંગ્રેસ અને AAP પર સતત હુમલા કરતા રહે છે. ઓવૈસી સતત મોરબી બ્રિજ અકસ્માત અને બિલ્કીસ બાનોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીને આશા છે કે તેમની પાર્ટી AIMIM ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 182 ધારાસભ્યોવાળી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. સાથે જ 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

(6:10 pm IST)