૨૦૧૭ની સરખામણીમાં આ વખતે અપક્ષ ઉમેદવારો ઘટયા : ગત ચૂંટણીમાં અપક્ષનો વોટ શેર ૫૧ ટકા
રાજકોટ તા. ૨૫ : કોઈ પક્ષમાં દાવેદારી ના મેળવતા ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે તેવી આપણી બંધારણની રચના અનુસંધાને અપક્ષ તરીકે ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહી શકે છે. વિધાનસભા - ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ૮ બેઠકો પર ૫૧ અપક્ષ ઉમેદવારો સામે આ વખતે ૩૧ ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે. જો કે ગત વિધાનસભામાં એક પણ અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલ નહતો.
વોટ શેર જોઈએ તો ગત વિધાનસભામાં ૮ બેઠકના ૫૧ ઉમેદવારોનો કુલ વોટ શેર ૧૨.૮૯ ટકા રહ્યો હતો. જેમાં રાજકોટ પૂર્વમાં ૬ ઉમેદવારો વચ્ચે ૧.૫૪ ટકા, રાજકોટ પશ્ચિમમાં ૯ ઉમેદવારોનો ૦.૯૩ %, રાજકોટ દક્ષિણમાં ૪ ઉમેદવારોનો સૌથી ઓછો ૦.૬૫ ટકા વોટ શેર તેમજ રાજકોટ રૂરલમાં વોટ શેર કુલ ૨.૧૬ % રહ્યો હતો. જયારે જસદણ બેઠક પર ૮ ઉમેદવરોનો ૨.૩૧ %, ગોંડલ બેઠક પર ૪ ઉમેદવારોનો ૧.૨૪ %, જેતપુર બેઠક પર પાંચ ઉમેદવારોનો ૧.૪૫ % અને ધોરાજી બેઠક પર ૬ અપક્ષ ઉમેદવારોનો કુલ વોટ શેર સૌથી વધુ ૨.૬૧ % નોંધાયો હતો.
ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૨૦ જેટલા અપક્ષ ઉમેદવારોની ઘટાડો જોવા મળે છે. જેમાં રાજકોટ પૂર્વમાં ૬ સામે ૪, રાજકોટ પશ્ચિમમાં ૯ સામે આ વખતે ૮, રાજકોટ દક્ષિણમાં ૪ સામે ૫, રાજકોટ રૂરલમાં ૯ સામે ૬, જસદણમાં ૮ સામે માત્ર ૨, ગોંડલમાં ૪ સામે માત્ર ૧, જેતપુર બેઠકમાં ૫ સામે ૨ તેમજ ધોરાજી બેઠક પર ૬ સામે ૩ ઉમેદવારો વર્ષ ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.