ગાંધીનગર જિલ્લાના આદિવાડા નજીક વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા
ગાંધીનગર :જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે અને શ્રાવણ મહિના પહેલા જ ઠેકઠેકાણે જુગારધામો ધમધમી રહયા છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી દરોડા પાડી જુગારીઓને ઝડપી રહી છે. ત્યારે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોએ એલર્ટ રહી જુગારની આ પ્રવૃતિને અટકાવવા દરોડાની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના પગલે પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન લોકરક્ષક સામંતસિંહને બાતમી મળી હતી કે આદિવાડા ગામે પાસે આવેલા સોનુ પાનપાર્લર નજીક કેટલાક ઈસમો વરલીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં પેથાપુર જૈન દેરાસરની વાડી સામે રહેતા યાકુબભાઈ અહેમદભાઈ શેખ, બીપીનકુમાર સેવંતીલાલ ભાવસાર, સે-ર૯ બ્લોક નં.૧૪૩/૬ ખાતે રહેતાં મહેશકુમાર બંસીલાલ રાણા, આદિવાડા અને મુળ સરઢવના રાજુભાઈ ધનાભાઈ પ્રજાપતિ અને જીતેન્દ્રસિંહ ઈશ્વરસિંહ મકવાણાને જુગાર રમતાં ઝડપી લીધા હતા. તેમની પાસે રોકડ અને મોબાઈલ મળી ૧૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું કે યાકુબ શેખ ગ્રાહકો પાસેથી રૃપિયા લઈને વલણ પેથાપુર ખાતે રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ઉર્ફે મુખી નટવરસિંહ વાઘેલાને મોકલાવતો હતો. હાલ તો પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.