ખેડા જિલ્લાના ત્રણ અલગ અલગ જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડતા શકુનિઓમાં ફફડાટ
ખેડા:જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા. નડિયાદ શહેરના ફતેપુરા રોડ પર આવેલ મોખા તલાવડી પાસે આવેલ પ્લાન્ટ સામે, મહુધા ગામની સીમમાં એલ.સી.બી ટીમે અને ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલ એસ.ટી.બસસ્ટેન્ડની દિવાલ પાસે સ્થાનિક પોલીસે રેડ કરી હતી.
નડિયાદ ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે નડિયાદ શહેરના ફતેપુરા રોડ મોખા તલાવડી પાસે આવેલ પ્લાન્ટની સામેની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે પત્તા પાનનો જૂગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો. જેમાં વિજયભાઇ રૂપાભાઇ તળપદા,ઇદ્રીશ મુસ્તુફા ચકલાસીયા વ્હોરા, શૈલેષભાઇ આનંદભાઇ મહિડા અને માજીદમીયા મહેબુબમીયા મલેકને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની અંગઝડતી કરતા કુલ રૂા.૪૭,૫૧૦ અને દાવ પરથી રૂા.૮,૧૩૦ એમ મળી કુલ રૂા.૫૫,૬૪૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાફન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.