ગુજરાત
News of Sunday, 26th September 2021

બારડોલીના રાયમ ગામે એટીએમમાં તસ્કરો ઘૂસ્યા : મુંબઈથી સાયરન વાગતા બધુ છોડીને ભાગવું પડ્યું

તસ્કરોએ એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટી દીધો હતો :અચાનક સિક્યુરિટી એલાર્મ વાગી જતાં ભાગી ગયા

બારડોલી તાલુકાના રાયમ ગામે રાત્રિના સમયે બેંક ઓફ બરોડાનું એટીએમ તસ્કરોએ ગેસ કટરથી કાપી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પકડાઈ ન જાય તે માટે તસ્કરોએ પહેલા તો એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટી દીધી હતો. જોકે બધું કરી છૂટ્યાં છતાં અચાનક સિક્યુરિટી એલાર્મ વાગી જતાં તસ્કરોએ બધું જ પડતું મૂકીને ભાગી છૂટવું પડ્યું હતું અને બેંકના એટીએમ ચોરની તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

ઘટના અંગે મળતા મીડિયા અહેવાલ મુજબ બારડોલી તાલુકાના રાયમ ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે. જે શાખાની બહાર એટીએમ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન સવારે 6થી રાત્રી 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્યારબાદ બંધ કરી દેવામાં આવે છે. તેવામાં 24-25ની રાત્રિના 1.00 વાગ્યાના અરસામાં બે તસ્કરો એટીએમમાં ચોરી કરવા માટે બેંકના પરીસરમાં આવ્યા હતાં. પોતાની કરતૂત પકડાઈ નહીં તે માટે તસ્કરોએ પહેલા બેંકના કેમેરા પર કાળા કલરનો સ્પ્રે મારી દીધો હતો. ત્યારબાદ ગેસ કટરથી તાળુ કાપી એટીએમ મશીનની કેબિનમાં ઘૂસી કેબિનમાં લગાવેલ કેમેરા અને મશીનના કેમેરા પર પણ કાળો સ્પ્રે મારી દીધો હતો.

આટલી સાવચેતી રાખીને પછી તસ્કરો બિંદાસ્ત બનીને એટીએમ ગેસ કટરથી તોડી રહ્યા હતાં તેવામાં અચાનક જ સિક્યુરિટી એલાર્મ વાગવા લાગ્યો. આવી કોઈ વાત માટે તસ્કરો તૈયાર નહોતા અને અચાનક ડઘાઈ ગયા હતા. જે બાદ તેઓ ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યાં હતાં આ સિક્યુરિટી એલાર્મ બેંક ઓફ બરોડાના એટીએમ મશીનની સિક્યુરિટી એજન્સીના મુબઈ સ્થિત કટ્રોલ રૂમમાંથી વગાડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના વ્યક્તિને જણાયું હતું કે રાયમ ખાતેના એટીએમમાં કંઈક અજુગતુ થઈ રહ્યું છે. જેથી મુંબઈથી તેણે સિક્યુરિટી એલાર્મ ઓપરેટ કરીને વગાડ્યો હતો અને તસ્કરોએ ભાગી છુટવું પડ્યું હતું. એલાર્મ વાગતાં આસપાસથી લોકો બેંક નજીક એકત્ર થઈ ગયા હતાં અને થોડી જ વારમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આખરે સિક્યુરિટી એજન્સીની સજાગતાથી ચોરી થતી અટકી ગઈ હતી.

(7:28 pm IST)