ગુજરાત
News of Sunday, 26th September 2021

ડીસામાં નાઈનેસર તળાવમાં ડૂબી જતા યુવકનું કરૂણમોત : ઓવરફ્લો જોવા ગયેલો : પગ લપશ્યો અને મોતને ભેટ્યો

ગામનું સુકુ ભઠ્ઠ તળાવ ઓવરફ્લો થતા જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

બનાસકાંઠાના ડીસા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસતો હતો જેના કારણે કંસારી ગામ માં આવેલું નાઈનેસર તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. 2017 બાદ ચાર વર્ષ પછી ફરી એકવાર ગામનું સુકુ ભઠ્ઠ તળાવ ઓવરફ્લો થતા જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તે દરમિયાન રમેશ ઠાકોર નામનો યુવક પણ તળાવ જોવા માટે આવ્યો હતો અને અચાનક તેનો પગ લપસી જતાં તે તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો આજુબાજુના લોકોએ તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી

અત્રે ઉલ્લેખનિય છે કે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે તેવામાં ભવિષ્ય માં આવી કોઈ ઘટના ન બને તે માટે પાણી ભરાયેલા તળાવ, નદી કે નાળા થી દૂર રહેવા માટે તંત્રએ ગ્રામજનોને અપીલ કરી છે.

(7:58 pm IST)