ગુજરાત
News of Sunday, 26th September 2021

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક મોતને ભેટ્યો

યુવક નોઈડામાં ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો : ટ્રેન નીચે કપાઈ જતાં શરીરના અનેક ટુકડા થયા : માતાએ કહ્યું કોઈને લેવા મોકલ્યો હોત તો આજે દીકરો જીવતો હોત

દાહોદ, તા.૨૬ : દાહોદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ખોટી ઉતાવળમાં યુવક ટ્રેન નીચે આવી ગયો મોતને ભેટ્યો હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે બનેલી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર- ૨ પર બની હતી. જેમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતો યુવકે ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયો હતો. આશાસ્પદ યુવકનું આ રીતે કમકમાટીભર્યું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક યુવકની ઓળખ ગાલવ શર્મી તરીકે થઈ છે. ઘટના બાદ ગાલવની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં અફસોસ કરતા જણાવ્યું હતું કે, દીકરીને રેલવે સ્ટેશન લેવા માટે કોઈને મોકલ્યો હોત તો તે આજે કદાચ જીવતો હોત...! પ્રાપ્ત વિગતો પ્રમાણે ૨૦ વર્ષિય ગાલવ શર્માનું શુક્રવારે સવારે ૯.૪૫ વાગ્યે દાહોદમાં ટ્રેન નીચે કપાઇને મોત થયું હતું. દીકરો મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, મૃતક ગાલવ રતલામના શક્તિનગર નિવાસી અને રેલવેમાં જ પાર્સલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજીવ શર્માનો દીકરો હતો. નોકરી માટે નોઇડાથી ઇન્ટરવ્યુ આપ્યા પછી તે હરિદ્વાર-બાન્દ્રા સ્પે. એક્સપ્રેસથી રતલામ જઇ રહ્યો હતો, પરંતુ કોઈ કારણોસર સ્ટેશન પર ઉતરી ન શક્યો. દરમિયાન દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ૨ પથી પસાર થતી વખતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં બેલેન્સ બગડ્યું અને ટ્રેન નીચે આવી જતા મોતને ભેટ્યો હતો.

(9:13 pm IST)