ગુજરાત
News of Monday, 26th September 2022

પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડની ખેડૂત હિતની રજૂઆત ફળી :જમીન વહેંચણી માટે ખાતા અલગ કરવા જમીન માપણી નહિ કરાવવી પડે સરકારે પરિપત્ર કર્યો

ડીઆઈએલઆર માં માપણી કરાવવી નહિ પડે, મહેસુલ વિભાગે જૂનો જી.આર.સ્થગિત કરી નવો જી. આર કર્યો : સમય અને નાણાંનો થશે બચાવ, ખેડૂતોની હેરાનગતિ ઘટી

રાજકોટ તા.૨૫

પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડની ખેડૂત હિતની રજૂઆત ફળી છે.જમીન વહેંચણી માટે ખાતા અલગ કરવા જમીન માપણી નહિ કરાવવી પડે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.

  પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું હતું કે,રાજ્યમાં ખેડૂત ખાતેદારો ખેતીની જમીન ધરાવે છે. આ જમીનની ખાતેદારો તરફથી તેમના પુત્રોને અથવા તો કુટુંબીજનોને વહેચણી કરવામાં આવતી હોય છે. અથવા તો સંજોગોને આધીન વેંચાણ કરવામાં આવતું હોય છે. 

     આ સતત ચાલતી પ્રક્રિયા છે. ખાતેદાર દ્વારા વહેંચણી અથવા તો વેંચાણ થતી જમીનની ઈ-ધરા કેન્દ્રમાં એન્ટ્રી દાખલ કરવામાં આવે છે. અને એન્ટ્રી મંજુર થયા બાદ સરકારી માપણી થયા બાદ જ ખેડૂતના ખાતા તથા ૭-૧૨ નું પાનું અલગ કરવા અંગેની સરકારશ્રીની જોગવાઈ હતી. હાલ માપણી ખાતામાં સ્ટાફની ઘટ હોવાથી ખેડૂત ખાતેદારો માપણી ફી જમા કરાવે તો પણ ઘણા લાંબા સમય સુધી સરકારી માપણી થઇ શકતી નથી. જેના કારણે ખેડૂતોને જમીનના ખાતા અલગ કરવામાં પારાવાર મુશ્કેલી તથા આર્થિક ખર્ચ થતો હતો. 

      આ બાબત ની રજુઆત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ ને તેમના રોજિંદા ગ્રામીણ પ્રવાસ માં વારંવાર સામે આવતી જોવા મળતા આ બાબતે તેમના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી ને લેખિત તેમજ મૌખિક રૂબરૂ મળી રજુવાત કરવામાં આવી હતી. આ બાબતે પૂર્વ મંત્રી ની રજુવાત ધ્યાને લઈ ખેડૂતોની મુશ્કેલીઓ નિવારવા વર્તમાન સરકાર દ્વારા તારીખ 23/09/2022ના રોજ પરિપત્ર ક્રમાંક :સીટીએસ/132022/1508/હ થી જૂનો હુકમ સ્થગિત કરતા હવે ખેડૂતોના હિતમાં જમીનની માપણી બાદ જમીનના ૭-૧૨ ના પાના અલગ કરવા અંગેનો નિર્ણય મોકૂફ રાખેલ છે. અને ખેડૂતોની અરજી આધારે દાખલ થયેલ એન્ટ્રી મુજબ જ જમીનના ખાતા અલગ કરી આપવા સંબધિતો ને જી.આર. કરી સુચના આપેલ છે. 

   જેના કારણે હજારો ખેડૂતોની મુશ્કેલીનો અંત આવેલ છે. અને ખેડૂત ખાતેદારો તરફથી ખેડૂત નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ની રજુવાત ને સફળતા મળતા ખેડૂતો ને થતી હેરાનગતી અને નાણાકીય ખર્ચ બચ્યો છે. ત્યારે ખેડૂતો દ્વવારા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ ખેડૂતોનો મહત્વ નો પ્રશ્ન પૂર્ણ થતા આભારની લાગણી વ્યક્ત થઇ રહેલ છે. અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયેલ જોવા મળે છે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી ખેડૂતોના પ્રશ્નો ના નિરાકરણ બાબતે એક સાચા ખેડૂત નેતા સાબિત થયા છે.

(11:28 am IST)