ગુજરાત
News of Thursday, 25th November 2021

શું માફિયા ગુજરાત રાજ્યને ડ્રગ્સનું હબ બનાવી રહ્યા છે?

માફિયા દરિયાકાંઠોનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે : પાક.થી નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે

અમદાવાદ,તા.૨૪ : ગુજરાતમાં મુંદ્રા અને દ્વારકા બાદ મોરબીમાંથી ડ્રગ્ઝનો મોટો જથ્થો પકડાયો હતો. જે બાદ સુરતમાંથી એક હજારથી પણ વધુનો ગાંજો ઝડપાયો હતો. જે બાદ અમદાવાદની પણ એવી એક ગેંગ ઝડપાઇ હતી જે વિદેશથી ડ્રગ્સ મંગાવીને વેચતી હતી. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બનતું હોય તેવી છબી બની રહી છે. ત્યારે સવાલ એ થાય કે, ગુજરાતમાં હજારો કરોડોનો ડ્રગ્સનો જથ્થો આવે છે કઇ રીતે? ગુજરાત પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, પાકિસ્તાનથી નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ડ્રગ્સ માટે ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ કરાય છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે. જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. જેની બજાર કિંમત આશરે ૨૧ હજાર કરોડ રૂપિયા હોવાના અહેવાલ હતા.

          મુંદ્રા ખાતેથી પકડાયેલ હજારો કિલો હેરોઇનના જથ્થાને દરિયાઈ માર્ગે જ રાજ્યમાં લાવવામાં આવ્યો હતો. મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનવાળાં કન્ટેઇનરમાં અફઘાનિસ્તાનના ટેલ્કમ પથ્થર હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જે ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ગુજરાતના મુંદ્રા પોર્ટ ખાતે મોકલાયું હતું. મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનના મામલા બાદ પોર્ટના સંચાલક અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેઇનર અને કાર્ગો હેન્ડલિંગ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ બાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પાસેથી ડ્રગ્સ પકડાયું હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે પરોઢીયે નશીલા પદાર્થના મોટા રેકેટનો પર્દાફાશ કરતા ૮૮.૨૫ કરોડના ડ્રગ્સ સાથે મુંબઇના થાણેમાં રહેતા શાકભાજીના વેપારીને દબોચી લીઘો હતો, જેની પુછપરછ દરમિયાન હાલારના ઇતિહાસના સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પણ પકડાયો હતો. ઝડપાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતુ કે, ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઇનનો જથ્થો મળ્યો હતો. જેને જામનગરના સલાયાના દરિયાકાંઠે સંતાડવામાં આવ્યો હતો, તેને પછી મોરબી લઈ જવામાં આવ્યો હતો. ૧૪ નવેમ્બરના દિવસે એટીએસ ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળી હતી કે ડ્રગ્સના જથ્થાની રાત્રે હેર-ફેર થવાની છે.

(8:57 pm IST)