ગુજરાત
News of Thursday, 25th November 2021

છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ અને બીએસપીએ ગઠબંધન કર્યું

કોંગ્રેસ સભ્ય સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ પદ પર બિનહરીફ ચૂંટાયા

છોટાઉદેપુરમાં ભાજપ સત્તામાં ન આવે એટલા માટે કોંગ્રેસ અને BSPએ ગઠબંધન કર્યું છે. બંનેનું ગઠબંધન થયા બાદ કોંગ્રેસના સભ્યને નગરપાલિકાના પ્રમુખ બનાવવમાં આવ્યા છે. કોંગ્રેસ સભ્ય સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ પદ પર બિનહરીફ ચૂંટાયા છે. પૂર્વ પ્રમુખની સાથે ત્રણ વખત અવિશ્વાસની સામે દરખાસ્ત મુકવામાં આવી હતી અને હવે સંગ્રામસિંહ રાઠવા બીજી વખત છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બિરાજમાન થયા છે

, છોટાઉદેપુર નગરપાલિકામાં થોડા મહિનાઓ પહેલા BSPની સત્તા હતી. નગરપાલિકામાંથી BSPની સત્તા હટાવવા માટે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. અગાઉ બેથી ત્રણ વખત અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. તે સમયે BSPને નગરપાલિકાની સત્તા પરથી દૂર કરવામાં આવી હતી. પણ હવે નગરપાલિકામાં ભાજપની સત્તા ન આવે એટલા માટે BSPને કોંગ્રેસ દ્વારા સપોર્ટમાં લેવામાં આવ્યા છે અને BSPના સપોર્ટથી કોંગ્રેસ દ્વારા સંગ્રામસિંહ રાઠવાને નગરપાલિકાને પ્રમુખ બનાવવમાં આવ્યા છે. આજે સામાન્યસભા બોલાવવામાં આવી હતી અને તેમાં BSPના સપોર્ટથી કોંગ્રેસે નગરપાલીકામાં બહુમતી મેળવી છે અને બંને પાર્ટી એક થઇ હોવાના કારણે ભાજપ સત્તાથી દૂર થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના અગાઉના પ્રમુખ નરેશ જયસ્વાલ હતા. તેમની સામે 20 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. છેલ્લા દોઢ વર્ષથી છોટાઉદેપુર નગરપાલિકા વિવાદમાં ચાલી રહી હતી. નગરપાલિકાની સત્તા સ્થિર ન હોવાના કારણે નગરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે અને લોકો નગરમાં કામો ન થતા હોવાની બૂમો પાડી રહ્યા છે. લોકોની ફરિયાદો કોઈ સાંભળતું ન હોવાના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પણ હવે તો કોંગ્રેસે જેમની સાથે જ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી તેમના સપોર્ટથી જ નગરપાલિકા કબ્જે કરી છે.

(11:18 pm IST)