ગુજરાત
News of Thursday, 25th November 2021

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે AMCને કડક પગલા લેવાનો આદેશ કર્યો

હાઈકોર્ટે કહ્યું કે પર્યાવરણ, નદી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ થાય એ ચલાવી ન લેવાય. આવનારી પેઢીના ભવિષ્ય માટે આકરા પગલાં લેવાની જરૂર

અમદાવાદ :સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટે કડક પગલા લેવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટ દ્વારા ટ્રેડ એફલૂએન્ટ નદીમાં ઠાલવનાર એકમો સામે કડક પગલા ભરવા આદેશ કરવામાં આવ્યો છે. GCCIના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર કનેક્શન સાથે કાયદેસર કનેક્શનને કાપવામાં ન આવે. સાથે એમ પણ કહ્યું કે કનેક્શન કાપતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા નોટિસ આપે. જો કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આ માંગણીને સ્વીકારવાનો હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે.

હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ડ્રેનેજ કનેક્શન થકી પ્રદુષણ ફેલાવનાર એકમને બક્ષવામાં ન આવે. હાઈકોર્ટે કહ્યું કે પર્યાવરણ, નદી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ થાય એ ચલાવી ન લેવાય. આવનારી પેઢીના ભવિષ્ય માટે આકરા પગલાં લેવાની જરૂર, કોઈએ તો પહેલ કરવી જ પડશે.

આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના વકીલે રજૂઆત કરી હતી કે સાબરમતી નદીની દશા જોઈએ તો અવાજ ઉઠાવવા માટે મજબૂર થવું પડે એવી સ્થિતિ છે. હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં તાકીદે લેવામાં આવી રહ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું.સાબરમતીમાં પ્રદુષણ ન ફેલાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર જાતે જ સમગ્ર બાબતને લઈને ધ્યાન આપી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

(12:29 am IST)