ગુજરાત
News of Thursday, 25th November 2021

સ્કૂલવાન-સ્કૂલ રિક્ષાના ભાડામાં જંગી વધારો

સ્કૂલરીક્ષાનું મિનિમમ ભાડું ૫૫૦ના બદલે ૬૫૦ રૂપિયા થયુ જ્યારે સ્કૂલવેનનું મિનિમમ ભાડું ૮૫૦ ને બદલે ૧૦૦૦ રૂપિયા લેવાનું નક્કી કરાયુ છે

અમદાવાદ,તા.૨૫: જો આપનું બાળક શાળામાં સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જઈ રહ્યું હોય તો આ સમાચાર આપના માટે જાણવા જરૂરી છે. કારણ કે હવે સ્કૂલ રીક્ષા અને સ્કૂલવેનના ભાડામાં પણ વધારો ઝીંકી દેવાયો છે. નવા ભાડા પ્રમાણે સ્કૂલરીક્ષાનું મિનિમમ ભાડું ૫૫૦ના બદલે ૬૫૦ રૂપિયા થયું જયારે સ્કૂલવેનનું મિનિમમ ભાડું ૮૫૦ને બદલે ૧૦૦૦ રૂપિયા લેવાનું નક્કી કરાયું છે.

હજુ તો દિવાળી વેકેશન પૂર્ણ થઇ શાળાઓ શરૂ થયાને બે દિવસ જ થયા છે ત્યાં વાલીઓને સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેનના ભાડા વધારાનો ઝટકો મળી ગયો છે. એક તરફ શાળાઓ દ્વારા ફી ઘટાડવાની જગ્યાએ ખાનગી શાળાઓના કેટલાક સંચાલકો મનમાની કરી વાલીઓ પાસેથી તગડી ફી વસૂલી રહ્યા છે ત્યારે હવે વાલીઓને શૈક્ષણિક ખર્ચમાં વધારાનો બોજ પડ્યો છે.

અમદાવાદમાં ૭ હજારથી વધુ સ્કૂલ રીક્ષા અને ૫૫૦૦ સ્કૂલવેન દોડી રહી છે ત્યારે આ વાહનોમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓને ખિસ્સા પર અસર થશે.  સ્કૂલ વર્ધિ વાહન ચાલકોના એસોસિએશનની બેઠક યોજાઇ હતી જેમાં સ્કૂલવાનનું ભાડું ૨૦૦ રૂપિયા અને સ્કૂલરીક્ષાનું ભાડું ૧૦૦ રૂપિયા વધારવાનો નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત ઓટો રિક્ષામાં દર કિલોમીટરએ ૧૦૦ રૂપિયા વધશે જયારે સ્કૂલ વેનમાં દર કિલોમીટર એ ૨૦૦નો વધારો થશે.  સ્કૂલ વર્ધિ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મ ભટ્ટ જણાવે છે કે દર ત્રણ વર્ષે સ્કૂલ રિક્ષા અને વેનનું ભાડું વધારવામાં આવતું હોય છે પણ કોરોનાના કારણે સાડા ત્રણ વર્ષથી ભાડું વધાર્યું ન હતું.

CNG, પેટ્રોલ, વાહનના વીમા તેમજ વાહનના સ્પેરપાર્ટ્સ મોંઘા થતા ભાડું વધારવામાં આવ્યું છે. કોરોનામાં સૌથી કફોડી હાલત સ્કૂલ રીક્ષા ચાલકની અને વેન ચાલકોની થઈ હતી. વાલીઓને આ ભાડા વધારો અસર કરશે.  પણ આ વાહન ચાલકોને પણ પરિવાર છે. તેમને પણ મોંઘવારી નડી રહી છે.

એટલે આ ભાડા વધારો કરવાની ફરજ પડી છે. મહત્વનું છે કે એકતરફ શાળામાં ફી માફી મામલે તો વાલીઓ રજુઆત કરી રહ્યા છે છતાં ફી માફી મળી નથી તેવામાં સ્કૂલ ઓટો અને વેન ચાલકોની જેમ જો સ્કૂલ દ્વારા દોડાવવામાં આવતી સ્કૂલબસના ભાડા વધારશે તો વિવાદ વધુ વકરશે તે નક્કી છે.

(10:01 am IST)