ગુજરાત
News of Thursday, 25th November 2021

કાલથી ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા

મુખ્યમંત્રી મોડાસાથી પ્રારંભ કરાવશે : ૬ ડીસેમ્બરે વડનગરમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં સમાપન

રાજકોટ તા. ૨૫ : ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર જી દ્વારા ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસમાં ભારતનું બંધારણ તૈયાર થઈ તારીખ ૨૬ નવેમ્બર ૧૯૪૯માં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું, તમામ જાતિ - ધર્મ અને તમામ જીવોને સમાન અધિકાર આપતું ભારતીય બંધારણ એ વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર દ્વારા પણ વર્ષ ૨૦૧૫થી ૨૬મી નવેમ્બરને 'સંવિધાન દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી નિમિતે કાલે સંવિધાન દિવસના રોજથી ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ ૬ ડિસેમ્બર ૨૦૨૧ સુધી 'સંવિધાન ગૌરવ અભિયાન' તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે. આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ  દ્વારા આયોજિત 'સંવિધાન ગૌરવ યાત્રા'માં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી અભિયાનનો પ્રારંભ કરાવશે. સંવિધાન ગૌરવ અભિયાનની પુર્ણાહુતી કાર્યક્રમમાં તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત રાજયના દરેક જિલ્લા અને આઠેય મહાનગરમાં પણ 'સંવિધાન ગૌરવ યાત્રા' નીકળશે. યાત્રામાં રાજય અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ વિવિધ જિલ્લા/મહાનગરોમાં ખાસ ઉપસ્થિત રહેશે.

શ્રી મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પૂ. ડો.બાબાસાહેબ આંબેડકર જી ને વિશેષ સન્માન આપી ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન સંબંધિત સ્થળોને ભવ્ય સ્મારકો માં પરિવર્તિત કરી 'પંચતીર્થ'નું નિર્માણ કર્યું છે. 'જો ડો.બાબાસાહેબ આંબેડકર જી લિખિત બંધારણ ના હોત તો હું પ્રધાનમંત્રી ના હોત – તેવું જાહેર નિવેદન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ આપેલ. મોદી  સંસદ પ્રવેશના પ્રથમ દિવસે શ્રી મોદી જી દ્વારા પ્રવેશ દ્વારે માથું ટેકવી ભારતીય બંધારણને વિશેષ આદર સન્માન આપ્યું હતું, આ ઉપરાંત શ્રી મોદી દ્વારા તેઓ જયારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગર ખાતે હાથીની અંબાડી ઉપર સંવિધાનને મૂકી ત્રણથી ચાર કિલોમીટર પગપાળા ચાલી ભારતીય સંવિધાનને વિશેષ માન સન્માન આપ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ 'સંવિધાન ગૌરવ અભિયાન'થી તમામ જિલ્લા તથા મહાનગરો માં અનેરા ઉત્સાહથી કાર્યકરો અને આગેવાનો સમગ્ર અભિયાનને ભવ્ય રીતે પરિપૂર્ણ કરવા તેમજ ભારતીય સંવિધાનને વિશેષ આદર સન્માન આપવા કટિબદ્ઘ બન્યા છે. તેમ પ્રદેશ ભાજપની યાદી જણાવે છે.

(10:29 am IST)