ગુજરાત
News of Thursday, 25th November 2021

ચોરી પે સીનાજોરી!

અમદાવાદના દરિયાપુરમાં મોટી વીજ ચોરી ઝડપાઈ : લોકોનો વીજકર્મીઓ-પોલીસ પર પથ્થરમારો

ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયેલ

 અમદાવાદ,તા.૨૫ : અમદાવાદના ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. શહેરના દરિયાપુર વિસ્તારમાં ગેરકાયદે વીજજોડાણ અને વીજચોરી બાબતે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા જ સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા, અને ટોરેન્ટના અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ પર પથ્થમારો કર્યો હતો.

 ટોરેન્ટ પાવરના દરોડામાં વીજચોરીનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હતી. દરિયાપુર વિસ્તારમાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાનું ટોરોન્ટના ધ્યાનમાં આવ્યુ હતું. તેથી જ વીજ ચોરી અને ગેરકાયદેસર વીજ જોડાણ તપાસવા માટે જ ટોરેન્ટની ટીમ તપાસ માટે પહોંચી હતી.

 જેને પગલે દરિયાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકાયો હતો. 1 DCP, 2 ACP અને 1 PI સહિત ૨૦૦ પોલીસનો કાફલો રેડમાં સામેલ થયા હતા. ટોરેન્ટ પાવરમાં ૨૦ અધિકારી સહિત ૧૫૦ થી વધારે કર્મચારીઓ દ્વારા રેડની કવાયત હાથ ધરાઈ હતી. દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટના મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન પથ્થરમારાની ઘટના બની હતી.

તપાસ દરમિયાન મોટાપાયે ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયુ હતું. પરંતુ વીજ ચોરોએ પોતાની પોલ ખૂલી જતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોતજોતામાં માહોલ તંગ બન્યો હતો. બાદમાં પોલીસ અધિકારીઓ પણ આગાળની કાર્યવાહી કેવી રીતે કરવી તે મુશ્કેલીમાં મૂકાયા હતા.

તંબુ ચોકી પાસે નગીના પોળમાં સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ સમયે મોટો પોલીસ કાફલો હોવા છતાં વીજ કંપનીના કર્મચારીઓની કામગીરીમાં મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પથ્થરમારામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ કર્મચારી ઘાયલ થયા છે. પથ્થરમારો થતા પોલીસ અધિકારીઓ પણ એકશન મોડમાં આવી ગયા હતા. વાતાવરણ તંગ બનતા થોડીવાર માટે ચેકીંગ અને જોડાણ કાપવાની કામગીરી અટકાવવામાં આવી હતી.

(3:36 pm IST)