ગુજરાત
News of Thursday, 25th November 2021

ગાંધીનગર નજીક દંપતીને માલદીવ્સ ટૂર પેકેજ આપવાના બહાને 4.10 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક ધોળેશ્વરમાં બાલમુકુંદ હાઇટ્સમાં રહેતા અને હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરતાં યશ મિતેશભાઇ પટેલે તેમના મિત્ર મયંક સાગાણી સાથે માલદીવ્સની કપલ ટુર ઉપર જવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેમના મિત્ર મારફતે સુરતના સત્યમ એપાર્ટમેન્ટ ખાતે આવેલી શાહ ટુર એન્ડ ટ્રાવેલ્સના લીના શાહ સાથે સંપર્ક કરાવ્યો હતો. ૧૨ સપ્ટેમ્બરે લીના શાહ અને તેમના પતિ અમિત ધીરજભાઇ મહેતા સાથે સંપર્ક થયા બાદ બે કપલના ટુર પેટે રૃા.૪.૧૦ લાખ રૃપિયા નક્કી થયાં હતા અને પેકેજમાં પાંચ રાત્રી અને છ દિવસનો પ્રવાસ સામેલ કરવામાં આવ્યો હતો. તા.૧૭ નવેમ્બર સુધી યશભાઇએ પેમેન્ટ પણ ચુકવી દીધું હતું. જેના વાઉચર અને હોટલ બુકીંગ તેમને મોકલી આપવામાં આવ્યા હતાં. જો કે કન્ફરમેસન નંબર અંગે પુછતાં તે ટેમ્પરરી થયું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ યશભાઇને શંકા જતાં તેમને હોટલમાં તપાસ કરતાં આ પ્રકારની કોઇ બુકીંગ નહીં થયું હોવાનું જણાયું હતું. એટલું જ નહીં હવાઇ ટીકીટો કોર્પોરેટર કોટામાં બુક થઇ હોવા છતાં તા.૧૯મી નવેમ્બરે કેન્સલનો મેસેજ એરલાઇન તરફથી આવ્યો હતો. જેથી આ સંદર્ભે લીના શાહ અને તેમના પતિનો સંપર્ક કરતાં એજન્ટ સાથે તકરાર થઇ હોવાથી બુકીંગ કેન્સલ થયું હોવાનું બહાનું બતાવ્યું હતું અને પછીથી બુકીંગ થઇ જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ બુકીંગ નહીં થતાં તેમણે રૃપિયા પરત માંગ્યા હતા જે નહીં મળતા આખરે છેતરાયાનો અહેસાસ થતાં આ દંપતિ સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરાયો હતો. જેના આધારે ઇન્ફોસીટી પોલીસે વધુ તપાસ આદરી છે.

(5:34 pm IST)