ગુજરાત
News of Thursday, 25th November 2021

સુરતમાં પિતાની વાતનું માઠું લગાવી 13 વર્ષની દીકરીનો આપઘાત:

પતિ અને બે સંતાનોને છોડી બીજા જોડે ભાગી ગયેલી માતા સાથે તારા જ ફોનથી વાત કરી લે એમ કહેતા 13 વર્ષની દીકરીએ માઠું લગાડી ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં એમઆરએફ કંપનીના ટાયરનો શો રૂમ ધરાવતા વેપારીની એકની એક દીકરીનો ઘર પાછળ લટકતો મૃતદેહ જોઈ પિતાના હૈયાફાટ રૂદનથી આખી સોસાયટી ગમગીનીના માહોલમાં ફેરવાય ગઈ છે. મૃતક વન્સિકા ધોરણ-6ની વિદ્યાર્થીની હતી અને શાળાએથી ઘરે આવી માતા સાથે વાત કરવા પિતા પાસે ફોન માગી જીદ કરી રહી હતી.નિલેશ શર્મા (દીકરી ગુમાવનાર પિતા) એ જણાવ્યું હતું કે તેઓ બિહારના રહેવાસી છે. બે સંતાનોના પિતા છે. મોટી દીકરી વન્સિકા અને ત્યારબાદ એકનો એક 10 વર્ષનો દીકરો છે. લગ્નના 15 વર્ષ બાદ પત્ની બે બાળકો અને પતિને છોડી 4 મહિના પહેલા બીજા જોડે ભાગી ગઈ હતી. એક અઠવાડિયા પહેલા અચાનક બાળકોનો પ્રેમ જાગી આવતા મળવા આવી હતી. ત્યારે મોટી દીકરીને માતા મોબાઈલ સિમ-કાર્ડ આપી ગઈ હતી.વધુમાં જણાવ્યું હતું કે આજે મોટી દીકરી શાળાએ પરત આવ્યા બાદ ભોજનને લઈ માતા સાથે વાત કરવા મારો ફોન માગી રહી હતી. પત્ની સાથેના મનદુઃખને લઈ મે દીકરીને બસ એટલું જ કહ્યું તારી પાસે મોબાઈલ છે તારા ફોનથી વાત કરી લે એ વાતનું માઠું લગાડી દીકરી રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ અચાનક દીકરાની બૂમાબૂમ સાંભળી દોડીને જોતા દીકરી વન્સિકા ઘર પાછળના વાડામાં પતરાના સેડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હૃદય ફાટી ગયું હતું. તાત્કાલિક તેને નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં લઈ જતા સિવિલ મોકલી આપ્યા હતા. જ્યાં વન્સિકાને મૃત જાહેર કરાઈ છે.વધુમાં જણાવ્યું હતું કે તેઓ એમઆરએફ ટાયરનો શો રૂમ ધરાવે છે. બાળકો જ મારી અસલ મિલકત છે. દીકરી મારી લાડકી હતી. પતિ-પત્નીના ઝઘડામાં દીકરી આટલું મોટું પગલું ભરશે એનો જરાએ ખ્યાલ ન હતો. નહીંતર ફોન શું જીવ આપી દીધો હોત, બસ ભગવાન આ આઘાતને સહન કરવાની શક્તિ આપે અને આ દિવસો દેખાવનારને સજા આપે એ જ પ્રાર્થના કરું છું

(5:54 pm IST)