ગુજરાત
News of Thursday, 25th November 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા ચાર શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારના બરોડા ફૂટબોલ ગ્રાઉન્ડની નજીક અવાવરું જગ્યાએ ગાંજાનું વેચાણ કરતા ચાર શખ્સને પોલીસે ઝડપી પાડી ગાંજાના જથ્થા સહિત કુલ 93 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો. લક્ષ્મીપુરા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, અજય મગનભાઈ પટેલ, સમીર ઉસ્માનભાઈ દિવાન, લક્ષ્મણ ભુપેશભાઈ થાપા ( ત્રણેવ રહે - દીનદયાલનગર , વુડાના મકાન ,ગોત્રી) અને ડેનિયન જોન ચૌહાણ (રહે- કૈલાશ પાર્ક, લક્ષ્મીપુરા રોડ ) ગેરકાયદેસર ગાંજો લાવી તેનો વેપાર તથા નશો કરે છે. માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી વુડા નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ગાંજાનું વેચાણ કરતા ઉપરોક્ત ચારેય ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે અંગજડતી દરમિયાન ગાંજાનો જથ્થો,  મોબાઇલ ફોન તથા ટુ વ્હીલર વાહન મળી કુલ 93180ની મત્તા કબજે કરી હતી. જ્યારે સપ્લાયર પ્રશાંત પાટીલ ( રહે - સંતોષ નગર, ગોરવા )ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:56 pm IST)