ગુજરાત
News of Thursday, 25th November 2021

આણંદ જિલ્લાના અડાસ ગામે પ્રેમિકાને ચાલતી ટ્રેનમાંથી ફેંકી હત્યાનો પ્રયાસ કરનાર પ્રેમીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ:જિલ્લાના અડાસ ગામે રહેતો અલ્પેશ ખોડાભાઇ ઠાકોર (ઉ.૨૭)ને ગામમાં રહેતી ૨૭ વર્ષની સુમિત્રા સાથે પ્રેમ સંબંધ હતો. ચાર વર્ષ પહેલા તા.૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ અલ્પેશ અને સુમિત્રા અડાસ રેલવે સ્ટોપ પરથી બપોરે ૩ વાગ્યે મુંબઇ તરફ જતી લોકલ ટ્રેનમા કરજણ જવા નીકળ્યા હતા. કરજણ રેલવે સ્ટેશન આવી ગયા બાદ પણ અલ્પેશ ટ્રેનમાંથી નહી ઉતરતા સુમિત્રાએ તેને આ અંગે પુછ્યુ હતુ જેના કારણે બન્ને વચ્ચે તકરાર થઇ હતી. 

આ દરમિયાન ટ્રેન ચાલુ થઇ ગઇ હતી તેમ છતા ંબન્ને વચ્ચે તકરાર ચાલુ રહી હતી અને મામલો ઝપાઝપી સુધી આવી ગયો હતો ટ્રેન વલણ રેલવે ફાટક પાસેથી પસાર થતી હતી ત્યારે અલ્પેશે ચાલુ ટ્રેને દરવાજામાંથી સુમિત્રાને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. ટ્રેનમાંથી પટકાયેલી સુમિત્રાને ગંભીર ઇજાઓ થઇ હતી. બીજી તરફ આ સંદર્ભે વડોદરા રેલવે પોલીસમાં કેસ નોંધાતા પોલીસે અલપેશની ધરપકડ કરી હતી. જો કે થોડા સમય બાદ અલ્પેશ જામીન ઉપર છૂટી ગયો હતો. દરમિયાન આ કેસ વડોદરા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે અલ્પેશની હત્યાની કોશિશના અપરાધમાં દોષિત માનીને ૧૦ વર્ષની કેદ ફટકારી હતી. અલ્પેશને ફટકારેલ રૃ.૨૫,૦૦૦ના દંડની રકમમાંથી રૃ.૧૫,૦૦૦ સુમિત્રાને ચુકવવા પણ આદેશ કર્યો હતો.

(5:58 pm IST)