ગુજરાત
News of Thursday, 25th November 2021

વડોદરામાં પ્રેમલગ્ન બાદ પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ બ્રિજ પરથી કૂદી જીવનલીલા સંકેલી લેતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરાઃ માતા-પિતાની મરજી વિરૃધ્ધ પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ પતિના ત્રાસને કારણે કંટાળીને મહીસાગરમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં તેના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપતો ગુનો નોંધાયો છે. નવાયાર્ડમાં રહેતી અને છાણીના ખાનગી હેલ્થ કેર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી ફ્લાવીયા પરમારે વર્ષ-૨૦૧૪માં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર(છાણીના છાયપુરી રેલ્વે સ્ટેશન નજીક શ્રીનાથજી હાઇટ્સ)સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ તેને  બે સંતાન થયા હતા. પરિણીતા ગઇ તા.૫મી ઓક્ટોબરે સવારે હમણાં આવું છું તેમ કહી સ્કૂટર લઇ નીકળી ગઇ હતી.જેથી તેના પતિએ  બીજા દિવસે છાણી પોલીસને જાણ કરી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા પરિણીતા સ્કૂટર લઇને ફાજલપુર બ્રિજ સુધી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું.બ્રિજ પરથી તેનું સ્કૂટર અને મોબાઇલ મળ્યા હતા.

પરિણીતા ગૂમ થઇ ત્યારે તેણે તેના પતિને એમ પણ કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઇ ગઇ છે.જે વાત તેના પતિએ પરિણીતાની બહેનપણીને કરી હતી.આ ઉપરાંત પરિણિતાએ ફ્લેટ લીધો હોવાથી તેના લોનના હપ્તામાં પગારનો મોટોભાગ કપાતો હતો.જેથી તે આર્થિક ભીંસ અનુભવતી હતી.પતિ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે કંટાળીને પગલું ભર્યું હતું.

(5:59 pm IST)