ગુજરાત
News of Thursday, 25th November 2021

દરિયાપુરમાં વીજચેકીંગ કરવા ગયેલ ટીમ પર હુમલો : ટોરેન્ટ પાવરના ચાર અને ત્રણ પોલીસ જવાનને ઈજા

પથ્થરમારાના પગલે પરિસ્થિતિ વણસી જતા અતિ સંવેદનશીલ દરીયાપુર જવા માટે દિલ્હી ચકલાથી દરિયાપુર તરફ જવાનો રસ્તો બંધ કરાયો

અમદાવાદ :શહેરના દરિયાપુરમાં વીજચેકીંગ કરવા ગયેલ ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ટોરેન્ટ પાવરના ચાર જેટલા કર્મીઓ અને ત્રણ પોલીસ જવાનને ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો દોડી આવ્યો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના દરિયાપુર વિસ્તારમાં વીજચોરી થતી હોવાની જાણ ટોરેન્ટ પાવરને કરવામાં આવી હતી. જેથી ટોરેન્ટ પાવરના કર્મચારીઓ ચેકીંગ માટે આવ્યા હતા. ચેકીંગ માટે તેઓએ પોલીસની મદદ માંગી હતી. જેથી પોલીસ સાથે ટોરેન્ટની ટીમ દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.

ચેકીંગ વેળા કેટલાક લોકોએ પોલીસ અને ટેરોન્ટના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા અન્ય પોલીસ કાફલો બોલવવાની ફરજ પડી હતી. દરિયાપુરમાં પથ્થરમારાની ઘટનાનો વિવાદ વકરતાં વધુ પોલીસને ઘટના સ્થળે ઉતારી દેવામાં આવી છે. 10 પોલીસ સ્ટેશનના PI JCP, DCP, 2 ACP સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં છે. મામલો થાળે પાડવા માટે સ્થાનિક નેતાઓની મદદ લેવામાં આવી છે. પથ્થરમારાના પગલે પરિસ્થિતિ વણસી જતા અતિ સંવેદનશીલ એવા દરીયાપુર જવા માટે દિલ્હી ચકલાથી દરિયાપુર તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

(6:23 pm IST)