ગુજરાત
News of Thursday, 25th November 2021

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઓનલાઈનની સરળ કામગીરીને પગલે બહોળો પ્રતિસાદ

અમદાવાદ :ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ દરમિયાન મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ-૨૦૨૨ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત  તારીખ ૦૧-૦૧-૨૦૨૨ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા મતદાર તરીકેની લાયકાત ધરાવતાં નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. નવા મતદારોની નોંધણી ઉપરાંત મતદારોની વિગતોમાં

જેવી કે સરનામું , ફોટો , Demographic Details (ડેમોગ્રાફિક ડિટેઈલ્સ)  માં સુધારા-વધારા અને અવસાન પામેલ / સ્થળાંતરિત મતદારોના નામ, વિગતોમાં ફેરફાર કે મતદાર યાદીમાંથી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ખાસ ઝુંબેશના દિવસો તા.૧૪/૧૧/૨૦૨૧, તા.૨૧/૧૧/૨૦૨૧ દરમિયાન દરેક બૂથ પર બૂથ લેવલ અધિકારી  સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૭-૦૦ કલાક ઉપસ્થિત રહેલ હતાં. હવે, આગામી તા.૨૭/૧૧/૨૦૨૧ શનિવાર  તથા તા.૨૮/૧૧/૨૦૨૧, રવિવારના  રોજ પણ ખાસ ઝુંબેશ યોજાનાર છે.
  આ કાર્યક્રમ દરમ્યાન વ્યાપક પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ માટે  રાજ્યકક્ષાએથી રેડિયો, ટેલિવિઝન, પોસ્ટર, બેનર્સ, સ્માર્ટ સીટીમાં ડીજીટલ ડિસ્પ્લે બોર્ડ ઉપર, વેસ્ટ કલેક્શન વાન ઉપરના માઈક દ્વારા પ્રસાર, રેલવે સ્ટેશન તથા એસ.ટી સ્ટેશન ઉપર માઈક દ્વારા પ્રસાર, સોશિયલ મીડિયા મારફતે રાજ્ય કક્ષાએથી બૂથ લેવલ સુધી સઘન અને સર્વ સમાવેશી પ્રચાર ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત નેશનલ કેડેટ કોર  (NCC), નહેરુ યુવા કેન્દ્ર સંગઠન(NYKS), નેશનલ સર્વિસ સ્કિમ (NSS) જેવા યુવાનો માટે કાર્યરત સંગઠનોનો પણ સહકાર મેળવવામાં આવી રહેલ છે. સમગ્ર રાજ્યની વિવિધ કોલેજો, આઈ.ટી.આઈ, વિવિધ સંસ્થાઓ વિગેરેમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઓનલાઈન નામ નોંધણી માટે કેમ્પસનું આયોજન પણ કરવામાં આવેલ છે. રાજ્ય તથા જિલ્લાકક્ષાએથી જુદા જુદા  સ્ટેટ આઈકોન્સ દ્વારા પણ યુવાઓને મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવવાની સતત અપીલ કરવામાં આવેલ છે. પરિણામે, તા.૨૫/૧૧/૨૦૨૧ની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં નવા મતદારોની નોંધણી માટે ૪.૫ લાખ જેટલા ફોર્મ્સ મળેલ છે, જ્યારે સ્થળાંતર અને નામ-વિગતમાં  સુધારા વધારા જેવા અન્ય ફેરફારો માટે ૪ લાખ જેટલા ફોર્મ્સ મળેલ છે.  
 અત્રે મતદારોના ધ્યાને એ બાબત ખાસ મુકવાની કે મતદારો તેમના નામ અને અન્ય વિગતોની ચકાસણી અને સુધારા વધારા ઓનલાઈન માધ્યમથી  (૧) Voter Helpline Mobile App દ્વારા, (ર) NVSP Portal (www.nvsp.in) દ્વારા પણ કરી શકે છે, જેનો મહત્તમ મતદારો લાભ લે તેવો આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.

(7:21 pm IST)