ગુજરાત
News of Thursday, 25th November 2021

જૂનાગઢમાં રખડતાં ઢોરે એક દિવસમાં 5 લોકોને ઇજાગ્રસ્ત કર્યા :વધતા આતંકથી લોકો ત્રાહિમામ

બે ત્રણ દિવસ અગાઉ પણ ઢોરના હુમલાના કારણે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી : તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી

અમદાવાદ સહિત અનેક જગ્યાએ રખડતા ઢોર પકડવા મામલે વિવાદ યથાવત રહ્યો છે. આજે જૂનાગઢમાં રખડતાં ઢોરે એક જ દિવસમાં 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ બની રહેલા આવા કિસ્સાઓને કારણે જનતા કહી રહી છે કે ફરિયાદ આશ્વાસન નથી જોઈતું, સરકાર કાર્યવાહી કરે.

જૂનાગઢમાં રખડતાં ઢોરે એક જ દિવસમાં 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. જૂનાગઢના રસ્તા પર રખડતા ઢોર ફરતા હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે, ત્યારે આજે એક જ દિવસમાં ગાયે પાંચ લોકોને અડફેટે લીધા છે. લોકો પર હુમલો કરતા રખડતા ઢોર CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTVમાં જોઈ શકાય છે કે એક બાઈકચાલક પસાર થાય છે તેની પાછળ ઢોર પડે છે અને તેને અડફેટે લેવાનો પ્રયાસ કરે છે. બીજી ઘટનામાં બાઈક પર સવાર બાળક સહિત બે લોકોને ઢોર નીચે પાડે છે અને બાળકને બચાવવા જતા ઢોર મહિલાને ધસડે છે અને તેને ગંભીર ઈજા પહોંચાડે છે. અન્ય એક CCTVમાં બાઈક પર સવાર બે લોકોને ઢોર અડફેટે લે છે. આ સિવાય બે ત્રણ દિવસ અગાઉ પણ ઢોરના હુમલાના કારણે ત્રણ લોકોને ઈજા પહોંચી ચુકી છે. રસ્તા પર ફરતા ઢોર સ્થાનિકો માટે જીવતું-જાગતું મોત બનીને ફરી રહ્યા છે. તેવામાં મોડે મોડે કોર્પોરેશનની ટીમે રાત્રે રખડતા ઢોરને પકડવા ટીમ દોડાવી છે. ત્યારે વધારે દુર્ઘટનાઓ બને તે પહેલા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે

(7:37 pm IST)