ગુજરાત
News of Thursday, 25th November 2021

સુરતમાં પાલિકા દ્વારા અનોખી સ્કીમ જાહેર:વેક્સિનનો બીજો ડોઝ લેનારને એક લિટર તેલ વિનામૂલ્યે અપાશે

સુરતમાં હજી પણ છ લાખ જેટલા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

સુરત: સુરત પાલિકા દ્વારા લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહન આપવા માટે અનોખી સ્કીમ જાહેર કરી છે.પાલિકાએ જણાવ્યું છે કે,તમામ સેન્ટર પર જે પણ વેક્સિનનો બીજો ડોઝ લેશે તેને એક લિટર તેલ ફ્રી આપવામાં આવશે. જો કે, સુરતમાં હજી પણ છ લાખ જેટલા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

સુરત કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌથી પહેલા પહેલો ડોઝ આપવા માટેની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. જોકે બીજા ડોઝ લેવામાં લોકો એટલા ઉદાસીન દેખાઈ રહ્યા છે કે, અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી. વિશેષ કરીને સુરત શહેરમાં લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો ઝડપથી વેક્સિનેશન સેન્ટર ઉપર પહોંચે તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, એક એનજીઓ સાથે સંકલન કર્યા બાદ નિર્ણય કર્યો છે કે, આવતીકાલથી જે વેક્સિનનો બીજો ડોઝ લેશે તેમને એક લિટર તેલ વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યાં સુધી અમારી પાસે તેલનો જથ્થો ઉપલબ્ધ હશે, ત્યાં સુધી બીજો ડોઝ લેનારાઓને એનજીઓ થકી તેલ આપવામાં આવશે. જેટલા સ્ટોકમાં હશે એટલા લોકોને આપવાનો નિર્ણય કર્યો છે. અમારો હેતુ એટલો જ છે કે વેક્સિનેશનની કામગીરી ઝડપથી થાય તે જરૂરી છે. એનજીઓ દ્વારા જેટલા પ્રમાણમાં અમને તેલનો જથ્થો ઉપલબ્ધ કરાવશે એટલા ડોઝ પ્રમાણે અમે દરેક વ્યક્તિને આપવાનો પ્રયાસ કરીશું. વેક્સિન લેવા માટે એક પ્રકારે અમે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. સાથે એનજીઓ પણ આ બાબતે ગંભીરતાથી અને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને આગળ આવી છે.

(8:57 pm IST)