ગુજરાત
News of Friday, 27th January 2023

ગુજરાત રાજયના વિવિધ જીલ્લાઓના ૧૨ મરીન પોલીસ સ્ટેશન સહિત ૧૯ ટાપુઓ ઉપર ગુજરાત પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી : ધ્વજવંદન

ટાપુઓ ઉપર ધ્વજવંદન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા

ગાંધીનગર - તા.૨૭  : આ વર્ષે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં રાજય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ ખાતે રાખવામાં આવેલ હતી. આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા શહેર/જીલ્લાઓ ખાતે પણ જીલ્લા કક્ષાઍ ૨૬મી જાન્યુઆરીના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. ગુજરાત રાજયના દરિયાઈ સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ દ્રારા બાજ નજર રાખી ગુજરાત રાજ્યની દરિયાઈ સીમાઓની સુરક્ષાની કામગીરી કરનાર મરીન પોલીસ દ્વારા પણ ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે. રાજયના વિવિધ જીલ્લાઓના કુલ ૧ર મરીન પોલીસ સ્ટેશન તથા ૦ર અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા કુલ-૧૯ ટાપુઓ ઉપર ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યના (૧) કચ્છ-ભુજના લુણા, અલગોતર ખીદરત, હેમથલ ટાપુ તથા કચ્છ  ગાંધીધામના સતસૈડા ટાપુ (૨) મોરબી જીલ્લાના મુર્ગા (૩) દેવભૂમિ દ્વારકા જીલ્લાના નરારા બેટ ટાપુ, કાળુભાર, રોજી; સમ્યાણી ટાપુ (૪) જુનાગઢ જીલ્લાના બંદર શણીદ સ્મારક (૫) ગીર-સોમનાથ જીલ્લાના ભેસલાપીર (૬) અમરેલી જીલ્લાના શીયાળબેટ, સવાયબેટ (૭) ભાવનગર જીલ્લાના પીરમબેટ (૮) ભરૂચ જીલ્લાના આલીયા બેટ (૯) સુરત શહેરના કોડીયા બેટ તેમજ (૧૦) નવસારી જીલ્લાના ઝાટ ફળીયા અને અંબાજી ફળીયા ટાપુ ઉપર ૨૬મી જાન્યુઆરી પર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

(4:50 pm IST)