ગાંધીનગરમાં સે-7માં જવેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપનાર રીક્ષા ચાલકની ધરપકડ
ગાંધીનગર: શહેરના સેકટર - 7/એ શોપિંગમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને દાગીનાની ચોરીનાં ગુનાને અંજામ આપનાર અમદાવાદના રીક્ષા ચાલકની પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે ઝડપી પાડી 23 હજારનો મુદ્દામાલ રિકવર કરીને ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના સેકટર - 7/ બી પ્લોટ નંબર 721/2 માં રહેતાં હિતેશભાઈ સોની છેલ્લા પચીસ વર્ષથી ગાંધીનગર સેક્ટર-7/એ ખાતે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન નં-280/6 માં ભવાની જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવે છે. ગત તા. 17 મી જાન્યુઆરીનાં રાત્રે નવ વાગે દુકાન બંધ કરીને હિતેશભાઈ ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે દુકાનની ડાબીબાજુ આવેલ દિવાલમાં બાકોરું પાડી સોના જેવા ધાતુની વર્ક ચડાવેલ નંગ-4 ચેઇન તથા દુકાનના મધ્ય ભાગમાં મુકેલ લાકડાના કાઉન્ટરમાં સોના જેવા ધાતુની વર્ક ચડાવેલ નંગ-12 ગળાનાં હાર મળીને કુલ રૂ. 23 હજારની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.