ગુજરાત
News of Friday, 27th January 2023

સુરતના ગ્રીષ્‍મા હત્‍યાકાંડ જેવી જ ઘટના આણંદના ઉમરેઠ ગામમાં બનીઃ યુવકે પ્રેમ પ્રકરણમાં યુવતીના ગળા પર તીક્ષ્ણ હથીયાર વડે જીવલેણ હૂમલો કર્યો

પ્રેમીકા વર્ષાએ પ્રેમી રવિને અગાઉ આપેલા 40 હજાર રૂપિયા માંગતા ઝઘડો થયો

આણંદઃ આણંદના ઉમરેઠ ગામમાં સાથે રહેતા પ્રેમી પંખીડા વર્ષા અને રવિ વચ્‍ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઉશ્‍કેરાઇને રવિ વર્ષાના ગળાના ભાગે ચાકુ વડે હૂમલો કરી નાસી છૂટયો હતો.

આણંદ જિલ્લાનાં ઉમરેઠમાં યુવતીનાં ગળા પર તીક્ષ્ણ હથીયારથી ઈજાઓ કરી હત્યા કરવાનાં પ્રયાસની ધટનામાં યુવતીનાં પ્રેમીએ જ 40 હજાર રૂપિયા પરત આપવા ના પડે તે  માટે હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલતા ઉમરેઠ પોલીસે યુવતીની ફરીયાદનાં આધારે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ જિલ્લાનાં ગાંધીધામ ખાતે સેકટર સાતમાં રહેતા 26 વર્ષિય વર્ષાબેન હિરેનભાઈ જાની (ઉ.વ.26)ને બે વર્ષથી ગાંધીધામ ખાતે રહેતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાનાં અંબરનેસડા ગામનાં વતની રવિભાઈ અંબારામ રાવ સાથે પ્રેમસંબધ બંધાયો હતો. વર્ષાબેનને સાત વર્ષની વયે આંખમાં કંઈ વાગતા તેણીને એક આંખે દેખાતું ન હતું. જયારે રવિ રાવળ છકડો ફેરવતો હતો જે ગત તા.20મીનાં રોજ વર્ષાબેનને આંખ બતાવવા માટે હોસ્પીટલમાં જવાનું હોઈ ધરેથી નિકળી હતી.

દરમિયાન રવિ રાવળ તેની ચાલ ફરવા જઈએ તેમ કહી ફેરવવાનાં બહાને સરસામાન લઈને આદીપુર લઈ ગયો હતો અને ત્યાંથી બસ દ્વારા ડાકોર લાવ્યો હતો અને જયાં વહેલી સવારે ઉમરેઠનાં બસસ્ટેન્ડ પાસે આવતા રવિએ ગોપાલભા્ઈ નામની વ્યકિતને મકાન ભાડે માટે વાત કરતા તેણે કાછીયા શેરીમાં રહેતા હિતેશભાઈનું મકાન ભાડે અપાવ્યું હતું. જેથી વર્ષાબેન અને રવિ મકાનની સાફ સફાઈ કરી મકાનમાં રહ્યા હતા.

પ્રેમિકા વર્ષાએ વાત વાતમાં રવિને અગાઉ આપેલા 40 હજાર રૂપિયા પરત આપી દેજે તેમ કહેતા આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાાદ મધ્ય રાત્રે ફરી વાર 40 હજારને લઈને બોલાચાલી થઈ હતી. જેથી રવિએ તું શાના પૈસા મારી પાસે માંગે છે તેમ કહી પોતાની પાસેનાં ચાકુ વડે ગળાનાં ભાગે ગંભીર ઈજાઓ કરી વર્ષાને બાથરૂમમાં પુરી દઈને રવિ રાવળ ઘર બંધ કરીને ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ વર્ષાએ બુમાબુમ કરી બારણું ખખડાવતા મકાન માલિકે દરવાજો ખોલતા વર્ષા લોહીલુહાણ હોઈ તેણીને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે નડીયાદની સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું ઓપરેશન કરી સ્વસ્થ થતા ઉમરેઠ પોલીસે તેનું નિવેદન નોંધતા હત્યાનાં પ્રયાસનો ભેદ ખુલ્યો હતો.

જેથી આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે રવિ રાવળ વિરૃદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

(5:13 pm IST)