ગુજરાત
News of Saturday, 27th February 2021

વડોદરા શહેર નજીક રણોલીમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત 44 હજારની રોકડની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેર નજીક રણોલી ગામ અન્ય મકાનમાં નિંદર માણવા ગયેલા પરિવારના બંધ મકાનને ટાર્ગેટ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી 44 હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

વડોદરા શહેર નજીક રણોલી ગામે અંબાજી પોળમાં રહેતા રાજુભાઈ ડાભી ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. 25મી ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે નજીકમાં આવેલા પોતાના અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયા હતા

દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી લોક તોડી સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાના પાટલા, ચાંદીના છડા અને રોકડા રૂપિયા 1500 મળી કુલ 44500 મત્તા ચોરી નાસી છુટ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)