ગુજરાત
News of Saturday, 27th February 2021

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ-ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું

આપ સુરત મ્યુનિસિપાલિટીમાં ૨૭ બેઠક મેળવી : આપની ડિપોઝિટ ડૂલ થવા પર કટાક્ષ કરતા અરવિંદ કેજરીવાલેે રાજ્યના ભાજપ શાસનમાં પ્રશ્નો પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સવાલ કર્યા

સુરત, તા. ૨૭ : ગુજરાતમાં હાલમાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ અને પરિણામ પણ આવી ગયું. જેમાં ભાજપે તમામ મહાનહર પાલિકામાં વિજય મેળવ્યો. બીજી તરફ સુરતમાં પહેલીવાર ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીએ ૨૭ જેટલી સીટો પર જીત મળી હતી. આપના પ્રદર્શન બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં શુક્રવારે રોડ શો યોજ્યો હતો અને મતદારોનો આભાર માન્યો હતો. દિલ્હી સીએમની ગુજરાત મુલાકાત બાદ કેજરીવાલ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ વચ્ચે ટ્વિટર વોર શરૂ થઈ ગઈ છે.

સી.આર પાટિલે શુક્રવારે રાત્રે એક ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલના સુરત પ્રવાસ પર નિશાન સાધ્યું હતું. શનિવારે કેજરીવાલે એક ટ્વીટથી પાટિલને જવાબ આપ્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું, ગુજરાતના લોકો પૂછી રહ્યા છે- ભાજપના ૨૫ વર્ષના શાસન બાદ વીજળી આટલી મોંઘી કેમ? ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે? સરકારી હોસ્પિટલ અને સ્કૂલો ખંડેર કેમ? કેટલી સરકારી સ્કૂલો બંધ કરી?' સાથે તેમણે કટાક્ષ કરતા પાટિલને કહ્યું- તમે અડધી રાત્રે ટ્વીટ કર્યું? સારું હોત ગુજરાતના લોકોના મુદ્દાઓ માટે તમને આટલી બેચેની હોત.

પહેલા ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલે આપની ડિપોઝિટ ડૂલ થવા પર ટ્વીટથી કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, ગુજરાતના લોકોએ પોતાનો સ્પષ્ટ ચૂકાદો આપી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં આપના ૬૫, વડોદરામાં ૪૧, અમદાવાદમાં ૧૫૫, ભાવનગરમાં ૩૯ અને રાજકોટમાં ૬૮ ઉમેદવારોએ ડિપોઝિટિ ગુમાવી છે.

તેમણે વધુ એટ ટ્વીટ કરીને કેજરીવાલની મુકાલાત પર કટાક્ષ કરતા લખ્યું હતું, કેજરીવાલજીએ કહ્યું કે સુરત મનપાની ચૂંટણીમાં આપને ૨૭ સીટો મળી. પરંતુ તેમણે એમ જણાવ્યું કે, સુરતમાં આપની શહેરમાં ૧૦૦%, શહેરમાં ૯૦% ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.

સુરતમાં પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જીતેલા ઉમેદવારોને કહ્યું હતું કે, ફોન નંબર ઘરે-ઘરે જઈને આખા વોર્ડમાં વહેંચી દો.. કે કોઈ સમસ્યા હોય તો ફોન નંબર પર ફોન કરજો. ફોન આવે તો જરુર ઉપાડવાનો, રાત્રે બે વાગ્યે કોઈ તમારી પાસે મદદ માગવા માટે ફોન કરે તો તમારે તેની મદદ માટે નીકળી પડવાનું છે. જો તમે રાત્રે બે વાગ્યે કોઈ એક વ્યક્તિની પણ મદદ કરી દીધી તો તે આખી દુનિયામાં તમારો પ્રચાર કરશે.. કે કોર્પોરેટર હોય તો આવો હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપને ખાસ સફળતા મળી હતી, જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ જતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ગુજરાતના નવા પક્ષ તરીકે આપ આગળ વધતા ભાજપ પણ સાવધાન થઈ ગયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી લડવાના મૂડમાં છે. એવામાં ભાજપનું લક્ષ્ય પોતાની સીટો બચાવવાનું હશે.

(7:56 pm IST)