ગુજરાત
News of Saturday, 27th February 2021

મહીસાગર નદીના કાંઠે મહિલાને સળગાવી દઈ આરોપીઓ ફરાર

આંકલાવના ચમારા ગામ પાસેની ચકચારી ઘટના : ગામજનો વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે જતા ત્યાં અજાણી મહિલાના થોડા દિવસ પહેલાં અગ્નિસંસ્કાર થયાનું જણાયું

આણંદ, તા. ૨૭ : આંકલાવ તાલુકાના ચમારા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના કાંઠા પર દશ દિવસ અગાઉ અજાણ્યા શખ્શો દ્વારા અજાણી મહિલાને સળગાવી ફરાર થઈ ગયા હોવાની ચર્ચાઓ ગ્રામજનોમાં ચર્ચાઈ રહી છે. જોકે, આ બાબતે આંકલાવ પોલીસ જાણ થતાં જ હરકતમાં આવીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

આંકલાવ તાલુકાના ચમારા ગામમાં રહેતા બકાભાઇ પઢીયારનું મોત નીપજયું હતું ગત ૧૬મી ફેબ્રુઆરીના રોજ તેમના અગ્નિસંસ્કાર કરવા માટે ગ્રામજનો ચમારા ગામ નજીક મહી નદી કિનારાના કાંઠે ગયા હતા. જ્યાં પહોંચ્યા ત્યારે ૧૦ ફૂટ દૂર કોઈકને અગ્નિ સંસ્કાર આપ્યા હોવાનું જોવામાં આવ્યું હતું. અને ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું પરંતુ આ વખતે ગ્રામજનોએ ઝાઝું ધ્યાન આપ્યું નહોતું અને જેના અગ્નિસંસ્કાર માટે આવ્યા હતા તેના અગ્નિસંસ્કાર કરીને ત્યાંથી નીકળી ગયા હતા.

સમગ્ર બાબતે ગામમાં આવીને પણ અજાણ્યા શખ્સો ધ્વારા અજાણી વ્યકિતને સળગાવી ગયું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ગ્રામજનોની તપાસમાં જે સ્થળે અજાણ્યા મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્યાં બળેલી હાલતમાં પગનો ભાગ, કેટલાક અસ્થિ તેમજ બંગડીઓ પડેલી જોવામાં આવી હતી. જેથી મૃતદેહ કોઈ મહિલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ આ મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે પૂંઠા તેમજ ટાયરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થળ પર બંગડીઓ સિવાય છડા, મંગળસૂત્ર જેવી પણ ચીજો પડેલી જોવા મળી હતી.

આ બનાવ આ અંગે જાણ થતા જ આંકલાવ પોલીસ શુક્રવારે સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, પોલીસ હાલ કાગળ પર કંઈ જ આવ્યું ન હોવાનું જણાવી રહી છે. પોલીસે આ સ્થળની આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલના લોકેશન, ડમ્પ ડેટા સહિતના મુદ્દાઓને આવરી લઇને તપાસ શરૂ કરી છે. આ અંગે આંકલાવ પોલીસે હાલમાં જાણવાજોગ નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:25 pm IST)