ગુજરાત
News of Saturday, 27th February 2021

ટિકિટ ન મળે તો કોંગ્રેસમાં બેસી જાય,સમાજનો અન્યાય દેખાય છે ? : મંત્રી સૌરભ પટેલે અસંતુષ્ટોનો ઉધડો લીધો

જ્યારે હોદ્દા પર હોવ ત્યારે કેમ સમાજનો અન્યાય દેખાતો નથી?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘન શાંત થઈ ગયા છે. પણ બોટાદમાં યોજાયેલી એક જાહેર સભામાં મંત્રી સૌરભ પટેલે અસંતુષ્ટોનો ઉધડો લીધો હતો. ટિકિટ ન મળવાના મુદ્દાને લઈને મેણાટોણા માર્યા હતા. બળવાખોરોને ટાર્ગેટ કરીને આકરી પ્રતિક્રિયા આપી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સૌરભ પટેલે કહ્યું હતું કે, સમાજના ભાગલા પાડવાની વાત ન સાંભળતા, જે વર્ષોથી ભાજપની વિચારધારાને વળગેલા હોય પણ ટિકિટ ન મળે તો કોંગ્રેસી થઈ જાય. ચાર ચાર વખત પક્ષમાંથી હોદ્દા લીધેલા હોય પણ ટિકિટ ન મળે તો કોંગ્રેસમાં જઈને બેસી જાય છે. ટિકિટ ન મળે તો સમાજનો અન્યાય દેખાય છે. જ્યારે હોદ્દા પર હોવ ત્યારે કેમ સમાજનો અન્યાય દેખાતો નથી.

થોડા સમય પહેલા સતવારા સમાજના કેટલાક આગેવાનોએ ભાજપને અલવિદા કહી દીધું હતું. પછી તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આ વાત સૌરભ પટેલને ગમી ન હતી. જેને લઈને જાહેર સભામાં આવા પક્ષપલટુઓ પર ચાબખા માર્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બોટાદના તુરખા રોડ પર ભાજપની એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાગલા પાડતા તત્ત્વોથી દૂર રહેવા માટે ટકોર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વર્ષોથી વિચારધારા ભાજપની અને ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, આ તે કેવી નીતિ? ચાર વખત પક્ષમાંથી હોદ્દા લીધા અને ટિકિટ ન મળી એટલે અન્યાય દેખાયો. જ્યારે હોદ્દા પર હતા ત્યારે કહેવું હતું કે, સમાજના ભાગલા ન કરો. અમારા પાટીદારોમાં થયું એવું સતવારા સમાજમાં ન થવું જોઈએ. જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર કરીને રાજકારણ કરવું એ પાપ છે.

બોટાદમાં મારા કડવા પાટીદારોના 7થી 8 હજાર મત હતા. છતા હું બધાય સમાજને સાથે રાખીને કામ કરૂ છું. જોકે, સૌરભ પટેલે જ્ઞાતિવાદનું રાજકારણ કરનારાઓ ઉપર પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જે કોઈ એમ કહેતું હોય કે, અમને અન્યાય થયો છે તો અમે ખુલ્લા મેદાનમાં બેસીને ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અમારી ભૂલ હશે તો એ સ્વીકારવા માટે પણ તૈયાર છીએ. સમાજના ભાગલા પાડે એવી રાજનીતિ ન થવી જોઈએ.

(11:25 pm IST)