ગુજરાત
News of Saturday, 27th February 2021

ધો-10 અને 12 બોર્ડના ફોર્મ ભરવામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મુશ્કેલી

દિવ્યાંગતાના પ્રકાર બતાવતા હોવાથી ફોર્મ ભરવામાં હાલાકી :વહીવટી કર્મચારીઓના એસો,ના પ્રમુખે બોર્ડને પત્ર લખી રજૂઆત કરી

અમદાવાદ :ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે માસમાં લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની હાલમાં કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. કેમ કે, સરકાર દ્વારા દિવ્યાંગતાની જુદીજુદી 21 કેટેગરી બનાવી છે. તે અંગેના પ્રમાણપત્રો આપવામાં આવે છે. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધોરણ-10માં 4 અને ધોરણ-12માં 5 જેટલા જ દિવ્યાંગતાના પ્રકાર બતાવતા હોવાથી ફોર્મ ભરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ અંગે વહીવટી કર્મચારીઓના એસોસીએશનના પ્રમુખે બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ધોરણ-10ના ફોર્મ 5 માર્ચ સુધી ભરવામાં આવશે. જ્યારે ધોરણ-12ના ફોર્મ 12 માર્ચ સુધી ભરી શકાશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે દિવ્યાંગ કેટેગરીમાં ક્લિક કરતા દિવ્યાંગતાનો પ્રકાર બતાવે છે. જેમાં ધોરણ-10માં વિઝ્યુઅલ ઈમ્પેર્ડ, મેન્ટલી ચેલેન્જ્ડ, હિયરીંગ ઈમ્પેર્ડ, ઓર્થેડીકલી ચેલેન્જ્ડ એમ ચાર પ્રકાર બતાવવામાં આવે છે અને તેમાંથી કોઈ એક પસંદ કરવાનું રહે છે. જ્યારે ધોરણ-12માં વિઝ્યુઅલ ઈમ્પેર્ડ, મેન્ટલી ચેલેન્જ્ડ, હિયરીંગ ઈમ્પેર્ડ, ઓર્થોડીકલી ચેલેન્જ્ડ અને લેપ્રોસી એમ પાંચ પ્રકારમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની હોય છે. 

દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 મુજબ 21 પ્રકારના દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં શારિરીક હલન ચલન, સ્નાયુઓની વિકૃતી, કૃષ્ટ રોગમાંથી સાજા થયેલા, મગજનો લકવો, એસિડ હુમલાનો ભોગ બનેલ, અલ્પ દ્રષ્ટી, સંપુર્ણ દ્રષ્ટીહીન, શ્રવણમંદતા, વાચા અને ભાષાની દિવ્યાંગતા, બોદ્ધિક દિવ્યાંગતા, ચોક્કસ શિખવામાં દિવ્યાંગતા, સ્વલીનતા, માનસીક બિમારી, દીર્ધકાલીન જ્ઞાનતંત્રીય બિમારી, બહુવિધ સ્કલેરોસીસ, કંપાવત, રક્સસ્ત્રાવ, થેલેસેમીયા, સ્કિલ સેલ એનીમીયા અને બધિરાંધતા. આમ, કુલ 21 પ્રકારના પ્રમાણપત્રો હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા હોય છે.

હવે બોર્ડ દ્વારા અમુક જ પ્રકારના દિવ્યાંગતાના પ્રકારનો ફોર્મ ભરવામાં સમાવેશ કર્યો હોવાથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ભારે મૂંઝવણમાં મૂકાયાં છે. જેના પગલે ઘણા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નુકસાન પણ જતું હોવાનું ધ્યાને આવતા અમદાવાદ શહેર સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સ્ટાફ ફેડરેશનના પ્રમુખ યોગેશ મિશ્રાએ બોર્ડના અધ્યક્ષ અને સચિવને પત્ર લખી આ અંગે રજૂઆત કરી છે

(12:57 am IST)