ગુજરાત
News of Tuesday, 27th July 2021

અમદાવાદમાં પોલીસે વાહન ઉપર ‘પી' લખાવ્‍યુ હોય-ત્રણ સવારી-હેલ્‍મેટ ન પહેર્યુ હોય-ગાડીમાં બ્‍લેક ફિલ્‍મ લગાવી હશે તો તેવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે

ટ્રાફિક શાખા દ્વારા એક અઠવાડિયા સુધી દંડાત્‍મક કાર્યવાહી માટે ચેકીંગ ડ્રાઇવ

અમદાવાદ: અત્યાર સુધી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો ને દંડ કરતી હતી. જો કે હવે રસ્તા પર પોલીસ જ પોલીસ ને દંડ કરશે. ટ્રાફિક JCP દ્વારા એક અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે ની ડ્રાઇવનું આયોજન કર્યું છે.
પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો ખેર નથી. કારણ કે ટ્રાફિક JCP દ્વારા આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જો ટ્રાફિક પોલીસ તેમના વાહન પર P લખાવેલું હશે, ત્રણ સવારી હશે, હેલ્મેટ નહિ પહેર્યું હોય, ગાડીમાં બ્લેક ફિલ્મ હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તારીખ 23 જુલાઇ થી 29 જુલાઇ સુધી ટ્રાફિક વિભાગ દ્વારા આ ડ્રાઇવ કરવામાં આવશે. જેમાં જ્યાં પોલીસ કર્મચારી ઓની અવર જવર હશે ત્યાં પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી માં વાત કરીએ તો ત્રણ દિવસ માં 12 પોલીસ કર્મચારીઓ પાસે થી 5900 દંડ ફટકારવામાં આવ્યો છે.
જો કે આ સિવાય જાહેરનામા નો ભંગ કરીને શહેર માં પ્રવેશ કરતા ભારે વાહનો અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે આ સાથે કોઈ પોલીસ ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા પકડશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

(5:04 pm IST)