ગુજરાત
News of Tuesday, 27th July 2021

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો: કચ્છના પ્રવાસનનો સુર્ય ઝળહળશે: જાણો 5 હજાર વર્ષ જૂના આ સ્માર્ટસિટીનો ઈતિહાસ

આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ અને તે સમયનું બાંધકામ આજે પણ ઉદારણરૂપ

અમદાવાદ :પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપlતા કચ્છના પ્રવાસનનો સુર્ય ઝળહળી ઉઠશે. ઉપરાંત ધોળાવીરાને વિશ્વ ધરોહર તરીકે સ્થાન મળતા પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતને વેગ મળશે.

ધોળાવીરાની સાઈટને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવી એ કચ્છ માટે ગૌરવની વાત કહી શકાય છે. ભારત સરકારે ગત્ત વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઈટ માટે સામેલ કરવા દરખાસ્ત મુકી હતી. ત્યારબાદ યુનેસ્કોનીટીમે ધોળાવીરાની સાઈટનું નિરક્ષણ કરીને વિશ્વ ધરોહરમાં સ્થાન આપ્યું છે.

 ધોળાવીરાની આ હડપ્પન સાઈટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર ડો.આર.એ બિસ્ટ દ્વારા ધોળાવીરાની શોધ કરવામાં આવી હતી. આ અમુલ્ય શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કચ્છમાં ધોળાવીરાની શોધનો ફાળો ડો.આર.એ બિસ્ટને જાય છે કારણ કે, સતત 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરી આ સાઈટની શોધ કરવામાં આવી હતી. આપને જણાવવું રહ્યું કે, અહીંથી શોધવામાં આવેલા અવશેષો હાલ પુરાતત્વના મુખ્ય સંગ્રહાલયમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય અવશેષો ધોળાવીરા ખાતેના સંગ્રહાલય ખાતે મુકવામાં આવ્યા છે.

કચ્છના ભચાઉ તાલુકાના ખદિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50,000 લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ પ્રાચીન નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના એ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ અને તે સમયનું બાંધકામ આજે પણ ઉદારણરૂપ માનવામાં આવી રહ્યું છે.

આજથી 5000 વર્ષ પહેલાના હડપ્પન નગર ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ માટે પસંદગી કરવામાં આવી છે. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સામેલ કરતા આસપાસના લોકો માટે રોજગારી ઉભી થશે. જેમાં હોટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેસ્ટોરન્ટ રોડ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી ધોળાવીરા એક પ્રવાસન સ્થળ વિકાસ પામશે.ધોળાવીરાનો વિશ્વ ધરોહરમાં સમાવેશ થતા પ્રવાસીઓ વધશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ વિકસિત થાય તેવી શક્યતા છે.

(6:36 pm IST)