ગુજરાત
News of Tuesday, 27th July 2021

સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવાશે : GTU અને નેસ્કો ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ થયા

ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે

અમદાવાદ :રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે વેગ મળે તે માટે સતત કાર્યરત રહે છે. સ્ટાર્ટઅપ કર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે જીટીયુ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જીટીયુ અને નેસ્કો ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ડેવલોપમેન્ટ (NFID) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે.

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ અને NFID વચ્ચે થયેલા આ એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપકર્તા, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે. જીટીયુ તરફથી કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને NFID તરફથી વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ઉપાધ્યાય દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા મેન્ટરીંગથી લઈને તેમની પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરીત કરવા આ ઉપરાંત સ્ટાર્ટઅપના માર્કેટીંગ અને જે-તે પ્રોડક્ટને ટ્રાયલ તથા રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે થતાં ખર્ચ સંદર્ભે વિવિધ સ્તર પર સ્ટાર્ટઅપની યોગ્યતાં અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ફંડ પૂરૂં પાડવામાં આવશે. જીટીયુ જીઆઈસી દ્વારા અત્યાર સુધી 468 જેટલા સ્ટાર્ટઅપને 6.34 કરોડ જેટલી આર્થિક સહાય ફાળવવામાં આવી છે.

ઇન્ડિયન પેટન્ટ ઓફિસ (આઈપીઓ) ખાતે જીટીયુના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે. જીટીયુ જીઆઈસી દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 17 કરોડની આવક પણ કરી ચૂક્યા છે. જીટીયુ અને NFID વચ્ચે થયેલા આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે. આ એમઓયુ પ્રસંગે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ, સીઈઓ તુષાર પંચાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(8:20 pm IST)