ગુજરાત
News of Thursday, 27th August 2020

કોરોનાથી પોતાનો વેપાર ઠપ્પ પડ્યો તો ફરસાણનો ધંધો કરીને કમાણી કરવા લાગ્યા

સંકટને પણ અવસરમાંબદલી દે તેનું નામ ગુજરાતી અમસ્તુંજ નથી કહેવાતું, ગુજરાતીઓની વેપારી કુનેહ અંગે દુનિયા આખી જાણે છે તેવામાં કોરોનાથી પણ ગુજરાતીઓની વેપારી બુદ્ઘી નથી હારી તેનું ઉદાહરણ

અમદાવાદ,તા.૨૭ : કોરોનાના કારણે અનેક વેપાર-ધંધા બેસી ગયા છે જોકે ગુજરાતી વેપારીઓએ એક આ સંકટમાં પણ એક નવો રસ્તો શોધીને પોતાનો ધંધો જમાવી દીધો છે. આ વેપારીઓએ કોરોના સંકટ વચ્ચે FMCG ફોર્મ્યુલા અપનાવતા ફરસાણનો બિઝનેસ શરું કરી દીધો છે. ગુજરાતીઓનું ફરસાણ તરફનું આકર્ષણ જગ જાહેર છે. કોરોના સંકટમાં પણ આ આકર્ષણ જરા ઓછું નથી થયું ઉલ્ટાનું એમ કહો કે આ સમયમાં તો ગુજરાતીઓનો ફરસાણ પ્રેમ ઓર વધ્યો છે. વાયરસના ડરે પણ લોકોને ફરસાણ ખાતા રોકયા નથી.

આજે પણ ગુજરાતના ઘણા ઘરોમાં સવાર ચા અને ખાખરાથી પડે છે અને દિવસ જેમ આગળ વધે તેમ પછી ડિશમાં ફાફડા, ગાંઠિયા, ચવાણું, ચેવડો અને ફુલવડી જેવી એક પછી એક ચટાકેદાર ટેસ્ટી આઇટમ આવતી રહે છે. આ કારણે જ ગુજરાતી વેપારી હવે કોરોના સમયમાં જયારે પોતાનો વેપાર ઠપ્પ થઈ રહ્યો છે ત્યારે નવી વેપાર તરફ નજર દોડાવી રહ્યા છે જેમાં ઘરે બેઠા ભાવતા ભોજનની ડિલિવરી મુખ્ય છે. ફરસાણ બનાવવાની મહેનત કરતા લોકો તૈયાર લેવામાં વધુ કમ્ફર્ટ અનુભવે છે તેની સાથે માર્કેટમાં તૈયાર ફરસાણની ડિમાન્ડ પણ વધી રહી છે.

એક સફળ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવતા ૨૯ વર્ષના પ્રિયમ કાપડિયાએ પોતાના મિત્ર ગૌરાંગ ચુડાસમા જે પોતાનો પારિવારિક બાંધણી અને લગ્નની સાડીઓનો વેપાર ધરાવે છે તેની સાથે મળીને હાઉસ ઓફ ફરસાણ નામથી નુવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. કાપડિયા કહે છે કે ભલે ૩૦૦ જેટલા હાઈપ્રોફાઇલ લગ્નો અને કોર્પોરેટ્સ ઇવેન્ટ કરી હોય તેમ છતા કોરોના ખતમ થઈ જશે તે પછી પણ તેની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની માટે હાલ ભવિષ્ય તેટલું સારૂ  નથી. કેમ કે ન્યુ નોર્લમ લાઇફ અંતર્ગત લોકો લગ્નના ખર્ચાને ઘણો ઓછો કરશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

પરંતુ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ લોકાડાઉન દરમિયાન ફુડ એક જ એવો વેપાર છે જે ધમધોકાર ચાલ્યો છે. તેમાં પણ ફરસાણ જે મોટાભાગના ગુજરાતી પરિવારોમાં પ્રિય ફૂડ છે. જેથી અમે એક સ્ટર્ટઅપ સ્ટાર્ટ કર્યું અને ગુજરાતના તમામ ખુણેથી જુદી જુદી ફેમસ બ્રાન્ડના ફરસાણ લોકોને ઘરે ડિલિવરી કરી આપીએ છીએ.

ચુડાસમાએ કહ્યું કે અમારા સ્ટાર્ટ અપમાં ખાખરા, પુરી અને કચોરી જેવી અનેક પ્રોડકટ્સ મળી રહે છે. અમે ભાદરણના ફેમસ મગ, સુરેન્દ્ર નગર અને ભાવનગરના ગાંઠિયા, ભરૂચની ખારી સિંગ જેવી તમામ પ્રોડકટર એકત્રિત કરી છે. ચુડાસમા કહે છે કે હવે તો ખાખરા, મોહનથાળ, કાજુ કતરી અને સુરતની ખાજલી માટે વિદેશથી એક સાથે ઓર્ડર આવી રહ્યા છે.

આ બંને મિત્રોની જેમ પોતાનો ટુર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ ધરાવત પૌરવ શાહ પણ ફરસાણના વેપારમાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાથી સૌથી વધુ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે અને હજુ દોઢ-બે વર્ષ માટે તેમાં રિકવરી નહીં આવે ત્યારે હવે હાલ હું જવ, રાગી, જુવાર, ઓટ્સ અને મલ્ટિ ગ્રેઇન ખાખરા જેવા હેલ્ધી ફરસાણનું માર્કેટિંગ કરી રહ્યો છું. તેઓ કહે છે કે હાલ ઇમ્યુનિટી બુસ્ટિંગ ડ્રિંક ચલણમાં છે ત્યારે લાલ ભીંડાનું સરબત જેવી પ્રોડકટ પણ તેમના પાર્ટોફોલિયોમાં છે. ૧૦ ઓગસ્ટના રોજ તેમણે નવરંગપુરામાં અરોમા ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે.

તેવી જ રીતે ઈન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમના ટીચર તરીકે નોકરી કરતા ૨૮ વર્ષના જય મેહતા માટે આ સમય સૌથી વધુ કપરો રહ્યો છે. તેમની નોકરી છૂટી ગઈ હતી જોકે લોકોને અંગ્રેજી શિખવતા જય હવે તેમની જીભને ભાવે તેવી વસ્તુઓ ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે લોકો કોરોના ડરથી તેમનું ભાવતું ફરસાણ લેવા માટે તો નથી જઈ શકતા પરંતુ તેમને ખાવું જરૂર હોય છે. જય મહેતાએ હાલમાં જ એક Eatzy નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તો સેટેલાઇટ વિસ્તારમાં જવેલરીની શોપ ધરાવતા મિનલ શેઠે કહ્યું કે તેમણે પણ સોનાની સાથે સાથે પાલિતાણાનું હોમ મેડ ફરસાણ વેચવાનું શરૂ કરી દીધું છે. કારણ કે સોનું ખરીદવા તો ભાગ્યે જ કોઈ આવે છે.

(11:31 am IST)