ગુજરાત
News of Thursday, 27th August 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો કાલે જન્મ દિવસ

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ ૨૮ ઓગષ્ટ ૧૮૯૬ છે. એક સમયે આ બાબતમાં વિવાદ હતો. રાજકોટની પ્રાથમિક શાળામાં મેઘાણી દાખલ થયા. આ શાળા સદર વિસ્તાર, અકિલા પ્રેસ પાછળ આવેલી છે. એ વખતના રજીસ્ટરમાં તેમની જન્મ તારીખ ૨૮-૮-૧૮૯૬ છે. આમ આવતીકાલે મેઘાણીભાઇનો જન્મ દિવસ ગણી શકાય. ત્યારે તેમની પ્રતિભા વ્યકત થાય તેવા કેટલાક સુત્રાત્મક વાકયો માણીએ તો 'મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર', કવિ કાગ કહે કે હેમાળાના ખોપરામાંથી ભગિરથે જેમ ગંગાનું અવતરણ કરાવ્યુ એમ મેઘાણી લોકસમાજમાંથી લોકસાહિત્ય લાવ્યા, મેઘાણી ન હોત તો લોકસાહિત્યનો વારસો લુપ્ત થઇ જાત, મેઘાણી ગીરનારમાં રાત્રીના ફાનસ લઇને માલધારીઓ અને સાધુઓ વચ્ચે બેસતાં, ૫૦ વર્ષના આયુષ્યમાં ૧૦૦ જેટલા પુસ્તકો આપ્યા. એક યુનિવર્સિટી ન આપે તેટલુ મેઘાણી આપી ગયા. એક અવતારમાં મેઘાણી અનેક અવતાર જીવી ગયા. દુનિયા આખીમાં એક વ્યકિતએ લોકસાહિત્યના કરેલા કામમાં કદાચ મેઘાણી જ પ્રથમ આવે. મેઘાણીના સાહિત્યને રમતુ કરવામાં તેમના પરિવારનો પણ સિંહ ફાળો છે. આવા સમર્થ લોકસાહિત્યકાર લોકગાયક મેઘાણીજીને વંદન!

- શાંતિલાલ રાણીંગા મો.૯૪૨૮૪ ૩૯૪૭૫

(11:33 am IST)