ગુજરાત
News of Thursday, 27th August 2020

રેલ્વેમાં સર્વિસ આપવાના નામે પ૪ ઉમેદવારો પાસેથી ૧ કરોડથી વધુ રકમ ખંખેરી લીધેલી

દિલ્હી સહિત દેશભરમાં રીક્રુટમેન્ટ ઓફીસો શરૂ કરી જયપુરમાં બનાવટી પરીક્ષાઓ યોજી જોબ લેટર આપતી આંતરરાષ્ટ્રીય ટોળીનો વડોદરામાં પર્દાફાશ : ૨૨ લાખના જામીન પર મુકત થયા બાદ આરોપી તુષાર પુરોહીત ટોળકીએ ફરીથી રેલ્વે ભરતી કૌભાંડ આચરવા ઓફીસો ધમધમાવી હોવાની માહિતી એસઓજી પીઆઇ વી.બી.આલને મળી હતીઃ પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં આરોપીઓ સકંજામાં : રેલ્વે કોર્ટમાં સર્વિસના નામે દેશભરના યુવાનો સાથેની ઠગાઇની તલસ્પર્શી વિગતો અકિલા સમક્ષ વડોદરા એસઓજી પીઆઇ એમ.આર.સોલંકીએ વર્ણવી

રાજકોટ, તા., ર૭: ન્યુ દિલ્હીમાં રેલ્વે  રીક્રુટમેન્ટ, રેલ્વે કોર્ટના નામે ઓફીસ શરૂ કરી રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી  ૫૪ ઉમેદવારો પાસેથી ૧ કરોડથી વિશેષની રકમ ખંખેરી લેતી કુવિખ્યાત તુષાર પુરોહીત  ગેંગનો વડોદરા એસઓજી દ્વારા પર્દાફાશ કરી ૪ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. આંતરરાજય ભરતી કૌભાંડના પર્દાફાશના કારણે રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.

વડોદરા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા યુવાનો સાથે નોકરીના નામે છેતરપીંડી કરતી ગેંગને શોધી કાઢવા માટે આપેલી સુચના સંદર્ભે એસઓજી પીઆઇ  એમ.આર.સોલંકી ટીમ કામે લાગી હતી. દરમિયાન એસઓજી પીઆઇ વી.બી.આલને  તુષાર પુરોહીત નામનો શખ્સ વડોદરામાં ભાડાની ઓફીસ રાખી તેના સાગ્રીતો કૌશલ પારેખ અને દિલીપસિંહ સોલંકી વિગેરે સાથે મળી ઇન્ડીયન રેલ્વે વિભાગ કેન્દ્ર સરકારના અધિકારીઓના ખોટા હોદા ધારણ કરી વિવિધ રેલ્વે કોર્ટોમાં જગ્યા માટેની જાહેરાત આપી ઉમેદવારો પાસેથી ૭૦ હજારથી માંડી પ-પ લાખ પડાવી લેતા હોવાની બાતમી મળતા એસઓજી ટીમ ત્રાટકી હતી.  ઘટના સ્થળ ઉપરથી રેલ મંત્રાલયનો લોગો, ટ્રેનીંગ સર્ટીફીકેટો, આઇકાર્ડ, નિમણુંક પત્રો, પરીક્ષા પત્રો વિગેરે સાહિત્ય કબ્જે કરવા સાથે આરોપીઓની ધરપકડ કરી હતી.

એસઓજી પીઆઇ એમ.આર.સોલંકીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માસ્ટર માઇન્ડ તુષાર પુરોહીત રેલ્વે ભરતી કૌભાંડનો રીઢો આરોપી છે. ૭ વર્ષથી બોગસ રેલ્વે ભરતી કૌભાંડ આચરી રહયો છે. આ શખ્સ વિરૂધ્ધ આજ આરોપસર ગુન્હાઓ નોંધાયા છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં તે હાઇકોર્ટમાંથી ૨૨ લાખ ડીપોઝીટ જમા કરાવી જામીનમુકત થવા છતાં ચાલુ વર્ષે તેણે ફરીથી રેલ્વે ભરતી કૌભાંડ આચર્યુ છે.આરોપીઓ દ્વારા દિલ્હી, મુંબઇમાં પણ ઓફીસો ખોલી હતી. જયપુરની હોટલમાં બોગસ પરીક્ષાઓ યોજી જોબ લેટર પણ આપી દેતો હોવાનો પણ એસઓજી પીઆઇ એમ.આર.સોલંકીએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્યું હતું.

(12:07 pm IST)