ગુજરાત
News of Thursday, 27th August 2020

સુરતમાં જાદુ થયુઃ એટીએમ તોડયા વગર 24 લાખ ગાયબઃ શકમંદ છત્રીવાળા શખ્‍સને શોધતી પોલીસ

સુરત: એટીએમ તોડ્યા વગર જ ચોવીસ લાખ રૂપિયા ગાયબ થવાની ચોંકાવનારી ઘટના સુરતમાં બની છે, જેને પગલે બેન્ક અધિકારીઓની સાથે પોલોસ પણ દોડતી થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ પાસે એટીએમનો પિન નંબર હોય તો આવું થવું શક્ય છે, ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે. બેંકના એટીએમમાંથી રૂપિયા 24 લાખ જેટલી માતબર રકમ ગાયબ થઈ ગઈ છે. એટીએમને તોડ્યા વગર આ ચોરી કરવામાં આવી છે. પીન નંબરથી ATM ખોલી ચોરી કરી હોવાની પોલીસને શંકા ઉપજી છે.

સુરતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરના અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં જ બેંકનું ATM મશીનમાંથી અચાનક રૂપિયા નીકળતાં બંધ થઈ ગયા હતાં. મંગળવારે સવારે બેંકના મેનેજરે તપાસ કરી તો ખબર પડી કે બેંકમાં રૂપિયા હોવાનું તો દેખાઈ રહ્યું છે, પરંતુ રૂપિયા નીકળી રહ્યા નથી. જેથી એટીએમ ખોલી તપાસ કરતાં કોઈએ રૂપિયા કાઢી લીધા હોય તેવું જણાઈ રહ્યું હતું. જોકે એટીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઝોન 4 ડીસીપી પ્રશાંત સુબેને તેઓએ જણાવ્યું કે, ATM મશીનમાં શનિવારે રૂપિયા નાંખવામાં આવ્યા હતાં, તે સમયે એટીએમમાં 40,00,000 રૂપિયા હતાં.

ઘટનાસ્થળે પહોંચી પોલીસે CCTV ની તપાસ કરી તો ગત 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા ને 38 મિનીટે એક વ્યક્તિ એટીએમ રૂમમાં પ્રવેશે છે. આ વ્યક્તિએ રેઈનકોટ પહેર્યો છે, સાથે જ તેનું મોઢું ન દેખાય તે માટે માથા પર છત્રી રાખી હોય છે. માત્ર છથી સાત મિનીટમાં તે બહાર નીકળી જાય છે. આ જ વ્યક્તિ ATM ને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર રૂપિયા લઈ જાય તેવું દેખાય રહ્યું છે. આ વ્યક્તિના ગયા બાદ એટીએમમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે કોઈએ એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી છે. બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. બેંકના મેનેજરની ફરિયાદ લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, એટીએમ તોડ્યા વગર રૂપિયા કાઢવામાં આવ્યા છે, જેથી કોઈ જાનભેદુએ જ રૂપિયા કાઢી લીધા હોય તે શક્ય છે. ત્યારે લોકોના નિવેદનો અને સીસીટીવી ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે કામગીરી શરૂ કરી છે.

(5:30 pm IST)