ગુજરાત
News of Thursday, 27th August 2020

આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેણાંક વિસ્તારમાં મગર ઘસી આવતા રહીશોને હાલાકી: 45 મિનિટનું ઓપરેશન કરી પાંજરે પુરવામાં આવ્યો

આણંદ:જિલ્લાના તારાપુર તાલુકાના ચિતરવાડા ગામે રહેણાંક વિસ્તારમાં એક મગર ધસી આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. દરમ્યાન વિદ્યાનગર સ્થિત નેચર હેલ્પ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ચિતરવાડા ખાતે પહોચી ૪૫ મિનિટનું ઓપરેશન હાથ ધરી મગરને સહીસલામત પાંજરે પુરી અન્ય સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ તારાપુર તાલુકાના ચિતરવાડા ગામના વણકરવાસમાં આશરે સાડા પાંચ ફૂટનો મગર ધસી આવતા ગ્રામજનોમાં અફડાતફડી મચી હતી. આજે વહેલી સવારના સુમારે ગામમાં ધસી આવેલ આ મગર અંગે વલ્લભવિદ્યાનગર સ્થિત નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાના હેલ્પલાઈન ઉપર ફોન આવતા સંસ્થાના સ્વયંસેવકો તુરંત જ સાધનોથી સજ્જ થઈ ચિતરવાડા ખાતે જવા રવાના થયા હતા. સ્વયંસેવકોએ ચિતરવાડાના વણકરવાસમાં પહોંચી તપાસ હાથ ધરતા લગભગ ૨ કલાકથી આ મગર વણકરવાસમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સંસ્થાના સ્વયંસેવકોએ તુરંત જ મગરને પકડવાની કામગીરી હાથ ધરી લગભગ ૪૫ મિનિટની જહેમત  બાદ મગરને સહીસલામત પાંજરે પુર્યો હતો. સાડા પાંચ ફૂટનો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સંસ્થાના પ્રમુખના જણાવ્યા મુજબ આસપાસના વિસ્તારમાંથી ખોરાકની શોધમાં આ મગર રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હશે. હાલ આ મગરને સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

(6:19 pm IST)