ગુજરાત
News of Thursday, 27th August 2020

ગાંધીનગર:પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર શખ્સને પોલીસે જથ્થા સાથે ઝડપી બુલડોઝર ફેરવવામાં આવ્યું

ગાંધીનગર:રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા પકડાયેલા આ દારૂનો સમયાંતરે નાશ કરવામાં આવે છે. આજે કોબા પાસે ગાંધીનગર ડીવીઝનના આઠ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા ૪.૮૨ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સમયે સઘન પોલીસ બંદોબસ્તની સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ તૈનાત રાખવામાં આવી હતી. 

ગુજરાતે દારૂબંધી સ્વીકારી હોવા છતાં અહીં પાડોશી રાજયોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે વાહન ચેકીંગ કે બાતમીના આધારે પોલીસ દ્વારા પરપ્રાંતમાંથી આવતાં આવા વિદેશી દારૂને પકડવામાં આવે છે. જો કે પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવે ત્યારે તેને મુદ્દામાલ તરીકે જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતો હોય છે. જેના પગલે પોલીસ સ્ટેશનમાં દારૂના જથ્થાનો ભરાવો થઈ જાય છે. કોર્ટની મંજુરીથી સમયાંતરે આ દારૂનો નાશ કરવામાં આવે છે. ત્યારે આજે ગાંધીનગર ડીવીઝનના આઠ પોલીસ સ્ટેશનો દ્વારા પકડવામાં આવેલા દારૂના જથ્થાને કોબા પાસે નાશ કરવામાં આવ્યો હતો. સે-ર૧ પોલીસે ૮ર, ચિલોડાએ ૧૨૩, ડભોડાએ ૬૪, પેથાપુરે ૬૨, દહેગામે ૭૦ રખિયાલે ૩૫, ઈન્ફોસીટીએ ૧૭ અને સે-૭ પોલીસે ર૦ ગુનામાં મળી કુલ ૪૭૩ ગુનાઓમાં વિદેશી દારૂની ૧૪૫૧૮૮ બોટલ જેની બજાર કિંમત ૪૮૨૯૨૭૯૪ રૂપિયા થાય છે તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કોબા નર્મદા કેનાલ પાસેના રોડ ઉપર કતારબધ્ધ દારૂની બોટલ મુકી સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દારૂના નાશની કામગીરી હાથ ધરાઈ હતી. આગ અકસ્માતની ઘટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડને પણ તૈનાત રખાયું હતું. 

(6:21 pm IST)