ગુજરાત
News of Thursday, 27th August 2020

કલોલના ધમાણસા રોડ નજીક પુરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા ગોઝારો અકસ્માત: ચાલકનું ઘટનાસ્થળેજ મૃત્યુ

કલોલ: શહેરના ધમાણસા રોડ પાસે બેફામ ગતિએ આવતી ટ્રકે એક સ્કુટર ચાલકને ગમખ્વાર ટક્કર મારી ટ્રક સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો ત્યારે આ ઘટનામાં સ્કુટર ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ધમાસણા રોડ પરથી ૨૪ ઓગસ્ટના રોજ શૈલેષ પરષોત્તમભાઇ પટેલ સ્કુટર લઇને નોકરીએ જવા નીકળ્યા હતા ત્યારે આ દરમિયાન ધમાણસા રોડ પાસે પૂરઝડપે અને બેફામ ગતિએ આવતી ટ્રક નં.જી.જે.૦૯.વાય. ૯૭૯૭ના ચાલકે સ્કુટર ચાલક શૈલેષને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં શૈલેષને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો. પોલીસે આ ઘટનામાં મૃતક યુવકના કાકા રમેશભાઇ પટેલની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. તેમજ મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેનો કબ્જો વાલી વારસોને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કલોલના ગ્રામ્ય વિસ્તારને જોડતા હાઇવે રોડ અને આંતરિક રોડ ઉપર પણ હવે અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ખાસ કરીને મોટી ગાડીઓ લઇને જતા ચાલકો બેફામ ગતિએ હંકારીને ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લેતા હોવાના બનાવો પણ વધી ગયા છે. જેથી વાહનની ગતિ પર રોક લગાવવી પણ જરૂરી છે.

(6:21 pm IST)