ગુજરાત
News of Thursday, 27th August 2020

ગેમ માટે મોબાઈલ માગતા પડોશીએ યુવકની હત્યા કરી

યુવકને ફોનમાં ઓનલાઈન ગેમ રમવાનું ભારે પડ્યું : આરોપી અગાઉ કેમિકલ કંપનીમાં સહાયક તરીકે નોકરી કરતો હતો,૧૦ દિવસ પહેલા નોકરી ગુમાવતા બેરોજગાર

સુરત,તા.૨૭ : સુરતના ૧૧ વર્ષીય કિશોરને તેના દોસ્તના મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમ રમવાનું ભારે પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગેમ રમવા માટે સતત મોબાઈલની માગ કરતા આ કિશોરની તેના પાડોશી દોસ્તે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસે ૧૯ વર્ષીય અમન શિવહરે નામના યુવકની ધરપકડ કરી છે કે જેણે આકાશ તિવારી નામના ૧૧ વર્ષીય કિશોરની ઘાતકી હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો અમન શિવહરે નામનો આરોપી અગાઉ એક કેમિકલ કંપનીમાં સહાયક તરીકે નોકરી કરતો હતો પણ તેણે ૧૦ દિવસ પહેલા નોકરી ગુમાવતા, હાલ બેરોજગાર હતો. પોલીસના જણાવ્યા મુજબ અમન શિવહરે નામના આ યુવાને ધોરણ ૪માં અભ્યાસ કરતા આકાશ નામના કિશોરની હત્યા કરી છે.

                 આ હત્યાનો ભેદ ત્યારે ઉકેલાયો કે જ્યારે આકાશ નામના આ કિશોરના અપહરણના કેસમાં પોલીસે તેની તપાસ કરી રહી હતી અને તેઓને આકાશની બોડી મળી આવી. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આકાશ નામનો આ કિશોર, અમન નામના યુવાનના ઘરે તેના મોબાઈલ ફોનમાં ગેમ રમવા જતો હતો. કારણકે અમન તેનો પાડોશી હતો અને તેઓ મિત્રો હતા. તે દિવસે પણ આકાશ નામનો આ કિશોર, મમ્મી હું રમવા જાઉં છું કહીને ઘરેથી નીકળીને અમનના ઘરે ગયો હતો અને મોબાઈલમાં ગેમ રમવાની માગણી કરી હતી. આ મુદ્દે તેઓ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને અમન નામના યુવાને આકાશનું ગળું દબાવીને હત્યા કરી નાખી, ત્યારબાદ તેની બોડીને પલંગ નીચે છુપાવી દીધી.

(7:29 pm IST)