ગુજરાત
News of Thursday, 27th August 2020

કોરોના મહામારીથી બુટલેગરો સહેજ પણ ડરતા નથી : ડીસા માં અધધધ ૪૦.૭૬ લાખના વિદેશી દારૂની ટ્રક ઝડપાઇ

ડીસા રૂરલ પોલીસના પેટ્રોલિંગમાં શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લેતા દારૂનો જથ્થો નીકળી પડ્યો..

ડીસા : કોરોના મહામારી વચ્ચે ડીસા રૂરલ પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ટ્રકની તલાશી લેતાં અંદરથી 40.76 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અનલોકમાં મળેલી છૂટને કારણે દારૂની હેરાફેરી પણ બેફામ બનતાં લગભગ દરરોજ દારૂ પકડાઇ રહ્યો છે. આજે ડીસા પોલીસે દારૂ સહીત કુલ 50.76 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કંસારી પાસેથી પોલીસે 40.76 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કંસારી પાસે એક ટ્રક શંકાસ્પદ લાગતા તપાસી જોતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટના ગે.કા અને વગર પાસ પરમીટની વિદેશી દારૂ તથા બિયરની બોટલો કુલ નંગ-10898 કિ.રૂ.40,76,200નો દારૂ ઝડપી પાડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસા પોલીસે કંસારી રોડ ઉપર આવેલા ચૌધરી હોટલની આગળના ભાગેથી ટેન્કરની તલાશી લીધી હતી. જોકે આ દરમ્યાન ટેન્કર ચાલક સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ટાટા કંપનીના ટ્રકની કિ.રૂ.10,00000 મળી કૂલ કિ.રૂ.50,76,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ફરાર આરોપી સહિત મેળાપીપણું કરી દારૂ લાવનાર ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),81,83,98(2),116-B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

(8:23 pm IST)