ગુજરાત
News of Monday, 27th September 2021

ગાંધીનગરમાં મહિલા પોલીસની ટીમે 40 બોટલ વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડયો

ગાંધીનગર: પોલીસ વિભાગમાં મહિલાઓનું સંખ્યા બળ વધારવાની સામે એવી પણ દલીલ કરવામાં આવતી હોય છે કે મહિલા પોલીસને ફિલ્ડનું નહી પણ ઓફિસનું કામ સોંપવામાં આવે. પરંતુ, મહિલા પોલીસ પણ પુરુષ પોલીસ કરતા ઓછી ઉતરે તેમ નથી. તે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-૧ની મહિલા પોલીસની ટીમે સાબિત કરી બતાવ્યું છે. જેમાં સેક્ટર-૧૫માં એક માથાભારે બુટલેગરને ત્યાં મહિલા પોલીસે દરોડો પાડીને ત્યાંથી ૪૦ બોટલ વિદેશી દારુ જપ્ત કર્યો છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-૧ની મહિલા પોલીસ સ્ટાફના એએસઆઇ જાગૃતિબા, પોલીસ કોન્સ્ટેબલ  કુસુમબેન અને મિતલબા શુક્રવારે પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે સેેક્ટર-૧૫ ફતેપુરામાં રહેતો એક લીસ્ટેડ બુટલેગર સુરેશજી ઠાકોર મોટા પાયે વિદેશી દારુના વેચાણનો ધંધો કરે છે અને દારુનો સ્ટોક ઘરમાં છુપાવે છે. જે બાતમીને આધારે  દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ઘરમાં છુપાવવામાં આવેલી દારુની ૪૦ જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત રુપિયા ૧૭ હજાર જેટલી અંદાજવામાં આવી છે.સાથેસાથે પોલીસે બુટલેગરની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે મહિલા પોલીસે જ બાતમીને આધારે દરોડો પાડયો હતો. સમગ્ર ગુજરાતમાં કોઇ જિલ્લામાં મહિલાઓ પેટ્રોલીંગમાં હોય અને લીસ્ટેડ બુટલેગરો સામે કાર્યવાહી કરતી હોય તેવું ઓછું જોવા મળે છે. આ અંગે ડીવાયએસપી એમ કે રાણાનું કહેવું છે કે રેંજ આઇજી અભય ચુડાસમા, જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ખાસ તાકીદ કરી છે કે મહિલા પોલીસને પણ પુરુષ પોલીસ સમોવડી ગણીને કામગીરી કરવી. જેથી માત્ર લોકલ ક્રાઇમ બ્રાંચ જ નહી પરંતુ, ગાંધીનગરના અન્ય પોલીસ સ્ટેશન ખાતે પણ મહિલા સ્ટાફને ફિલ્ડમાં સક્રિય કામગીરી કરવી. આમ, ગાંધીનગર પોલીસે એક નોંધપાત્ર ઉદાહરણ પુરુ પાડયું છે.

(6:54 pm IST)