ગુજરાત
News of Saturday, 27th November 2021

ડૉ. વર્ગીસ કુરિયનની જન્મશતાબ્દીની ઉજવણી : NDDB ખાતે ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરાયા

કેન્દ્રીય મંત્રીએ ડૉ. વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરીયન દ્વારા તેમના પિતાના જીવન પર લખવામાં આવેલા પુસ્તકનું” પણ વિમોચન કર્યું

આણંદ :ડૉ. વર્ગીસ કુરિયનની જન્મશતાબ્દી નિમિત્તે ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરીઉદ્યોગ વિભાગ અને અન્ય સંસ્થાઓ જેમ કે – GCMMF લિ., કૈરા મિલ્ક યુનિયન (અમૂલ ડેરી), NCDFI લિ., IRMA, મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રા. લિ., IDMC લિ., ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિ., NDDB ડેરી સર્વિસિઝ અને આનંદાલયે ભેગા મળીને NDDBના ટી.

કે. પટેલ ઑડિટોરિયમ ખાતે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરી હતી.

આ સમારંભ દરમિયાન પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાએ સ્વદેશી પશુઓ/ભેંસોની જાતિઓ ઉછેરનારા શ્રેષ્ઠ પશુપાલકો, શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયનો અને દેશની શ્રેષ્ઠ ડેરી કૉઑપરેટિવ સોસાયટી (DCS)/મિલ્ક પ્રોડ્યૂસર કંપનીઓ/ડેરી ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનના વિજેતાઓને ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કર્યા હતાં. વિજેતાઓને સન્માનિત કરવા ઉપરાંત, પરષોત્તમ રૂપાલાએ ગુજરાતના ધામરોડ ખાતે અને કર્ણાટકના હેસેરગટ્ટા ખાતે આઇવીએફ લેબ અને સ્ટાર્ટ-અપ ગ્રાન્ડ ચેલેન્જ 2.0નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

તેમણે સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે દૂધ દોહવાના મશીન ધરાવતી મિલ્કોબાઇક્સ (NDDB અને IDMC લિ. દ્વારા સંયુક્તપણે વિકસાવવામાં આવેલ) મોટરસાઇકલોને લીલી ઝંડી બતાવી રવાના પણ કરી હતી. તેમણે આ પ્રસંગે બ્રીડ મલ્ટિપ્લિકેશન સ્કીમ માટે NDDB દ્વારા વિકસાવવામાં આવેલ વેબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું અને જૈવિક ખાતરની અર્બન કિટનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ડૉ. વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરીયન દ્વારા તેમના પિતાના જીવન પર લખવામાં આવેલા પુસ્તકનું” પણ વિમોચન કર્યું હતું. આ સમારંભ દરમિયાન 1990ના દાયકાની ખૂબ જ જાણીતી ટીવીસી “દૂધ દૂધ, પિયો ગ્લાસ ફૂલ તથા ડૉ. કુરીયન પરની શ્રદ્ધાંજલિ ફિલ્મને દર્શાવવામાં પણ આવી હતી.

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ડૉ. સંજીવકુમાર બાલ્યાન અને ડૉ. એલ. મુરુગન, સંસદ સભ્ય મિતેશ પટેલ, પશુપાલન અને ડેરીઉદ્યોગ વિભાગના સચિવ અતુલ ચતુર્વેદી, એનડીડીબીના ચેરમેન મીનેશ શાહ, ભારત સરકારના DAHDના સંયુક્ત સચિવ વર્ષા જોશી, GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. સોઢી અને નિર્મલા કુરીયને આ પ્રસંગે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, ગોપાલ રત્ન એવોર્ડ એક સીમાચિહ્ન સ્થાપિત કરશે તથા શ્રેષ્ઠ વ્યવહારો અને નવીનીકરણોને અપનાવવામાં મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, ડૉ. કુરીયન વૉકલ ફૉર લૉકલ વિચારધારામાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. અમૂલના સહકારી માળખાંએ પશુપાલકોમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાની ભાવના પેદા કરી છે. તેમણે ડૉ. કુરીયનની જન્મશતાબ્દી નિમિત્તે આણંદમાં નેશનલ મિલ્ક ડેની ઉજવણીનું આયોજન કરવા બદલ એનડીડીબીને બિરદાવી હતી.

(9:50 pm IST)