ગુજરાત
News of Saturday, 27th November 2021

નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર અને સતત ચાલતુ રેતીનું ખખન રોકવા સાંસદ મનસુખભાઇ વસાવાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માટે હંમેશા રજુઆત કરતા આવેલા સાંસદ મનસુખભાઇ વસાવા એ જિલ્લાના ઘણા પ્રશ્નોની સરકાર માં રજુઆત કરી તેનું નિરાકરણ લાવવાં માટે બીડું ઝડપ્યું છે ત્યારે હાલમાં રેતી માફિયાઓ બાબતે પણ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે .

સાંસદે લખેલા પત્ર મુજબ નર્મદાના બંને કાંઠે ગરડેશ્વરથી પોઇચા ભાઠા તથા શિનોર તાલુકા,નાંદોદ તાલુકા,કરજણ તથા ઝઘડિયા તાલુકાના અલગ - અલગ સ્થાનો પર ખૂબ જ મોટા પ્રમાણમાં નર્મદા માંથી ગેરકાયદેસર રેતી ઉપાડવામાં આવે છે,જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, નદી માંથી મશીન દ્વારા રેતી કાઢવાથી ખૂબ જ ઊંડા ખાડા પાડવામાં આવે છે . જેના કારણે નર્મદા સ્નાન કરવા આવતા લોકોના ડૂબી જવાના ઘણા જ બનાવો બને છે , તથા નદીમાં પાણી પીવા જતાં પશુધન પણ પાણીમાં ગરકાવ થાય છે . સતત ચાલતી આવી પ્રવૃત્તિથી નદી તથા વન્ય જીવ સૃષ્ટિને ભારે હાની થાય છે,રેતી ભરીને ચાલતા હાઇવા ઓવરલોડ હોવાથી રોડ - રસ્તાને પણ નુકશાન થાય છે . રાત - દિવસ સતત બેફામ ચાલતા હાઇવા દ્વારા ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે . જેના કારણે એક્સીડન્ટની ઘટનાઓ ઘટે છે . થોડા દિવસ પહેલા પાણેથા - અસાની વચ્ચે એક રાહદારી ને કચડેલ હતો . જેમાં પોલીસનેબજાણ કરવા છતાં પોલીસ પણ આવા ખનન માફિયાઓને છાવરે છે . જેથી નર્મદા , ભરૂચ જિલ્લાના રોયલ્ટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવે અને આ પ્રમાણેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા અકસ્માતની ઘટનાઓ તાત્કાલિક રોકવામાં આવે એવી આ પત્ર દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરાઈ છે.

(11:18 pm IST)