ગુજરાત
News of Saturday, 27th November 2021

ઇકોલોજી-ઇકોનોમી અને ટેકનોલોજી-હ્યુમેનોલોજી સાથે સાથે રાખવી ખૂબ જરૂરી છેઃ સર્વાનંદ સોનવાલજી

ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં સ્થિત સ્ટેટ મોડલ ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદા સાયન્સિસ કેમ્પની મુલાકાત લેતા કેન્દ્રીય આયુષમંત્રી : રાજયના સ્વાસ્થ્યમંત્રી ઋષીકેશ પટેલ, આરોગ્ય-પરીવાર કલ્યાણના અધિક સચીવ મનોજ અગ્રવાલ આયુષ નિયામક જયેશ પરમારની ઉપસ્થિતિ

  ગાંધીનગરઃ  ઇકોલોજી-ઇકોનોમી અને ટેકનોલોજી-હ્યુમેનોલોજી સાથે સાથે રાખવી ખૂબ જરૂરી છે. પ્રકૃ્તિનું જતન કરવું જોઇએ. તેમજ પ્રકૃતિના નિયમને ન તોડવો જોઇએ, તેવું આજરોજ ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં સ્થિત સ્ટેટ મોડલ ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદા સાયન્સિસ કેમ્પસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય આયુષમંત્રી શ્રી સર્વાનંદ સોનવાલજીએ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજય સરકારના સ્વાસ્થ્ય મંત્રીશ્રી ઋષીકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

 કેન્દ્રીય આયુષમંત્રી શ્રી સર્વાનંદ સોનવાલજીએ વિદ્યાર્થીઓ અને આયુર્વેદ કોલેજના ફેકલ્ટીઝ સાથે આયુર્વેદ વિષય પર સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં એક મજબૂત રાજય છે. તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં ગુજરાત અગ્રેસર છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજયના મુખ્યમંત્રી હતા, તે સમયે વિકાસ પંથ કંડારયો હતો.આજે જેની ફલશ્રૃતિ રૂપે ગુજરાત દેશમાં જ નહિ, વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

 આ આયુર્વેદ કોલેજનું નામ દેશમાં જ નહિ, વિશ્વમાં રોશન કરવાનું વિદ્યાર્થીઓને આહવાન કરીને કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વ્યકિતઓની પ્રકૃતિને ઓળખીને તેનું નિદાન કરવું ખૂબ જરૂરી છે. આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે, પણ આજના ટેકનોલોજી-વિજ્ઞાન યુગમાં લોકોમાં આયુર્વેદની જાગૃત્તિ લાવવી ખૂબ જરૂરી છે. તેમણે આગામી સમયમાં રાજય સરકાર સાથે ચર્ચા કરી આ હોસ્પિટલ અને કોલેજના વિકાસમાં જરૂરી સહયોગ આપવાની પણ ખાત્રી આપી હતી.

 સર્વે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના સમયનો સદઉપયોગ કરવા જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમાજને તંદુરસ્ત રાખવાની જવાબદારી આપના શીરે છે. પ્રકૃતિ વચ્ચે જીવન જીવવાથી શું શું ફાયદા થાય છે, તે અંગેની લોકજાગૃત્તિ લાવવી પણ તેટલી જરૂરી છે. તેમણે ગ્લોબલ ર્વામિંગની વિસ્તૃત વાત કરી હતી.

 કેન્દ્રીયમંત્રી શ્રી સર્વાનંદ સોનવાલજીએ આયુર્વેદ હોસ્પિટલના વિવિધ ચિકિત્સા વિભાગની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ આયુર્વેદ હોસ્પીટલની મુલાકાત દરમ્યાન તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

સમગ્ર મુલાકાતમાં દરમિયાન તેમણે કોલેજ કેમ્પર્સમાં વિદ્યાર્થીઓ સાથે દરેક વિભાગની મુલાકાત લીધી અને હોસ્પિટલમાં થતી સારવાર અંગેની માહિતી તથા દર્દીઓના પ્રતિભાવો પણ જાણ્યા અને સમગ્ર હોસ્પિટલની મુલાકાત દરમિયાન દાખલ દર્દીઓ તથા સારવાર લેતા દર્દીઓની થતી વિવિધ સારવાર જેવી કે પંચકર્મ, દંતરોગોની ચિકિત્સા, બાળરોગ વગેરે તથા હોમીયોપેથીક ઓપીડી, ફીઝીયોથેરાપી થિયેટર વગેરેની મુલાકાત લઇ પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આયુષના નિયામક શ્રી જયેશભાઇ પરમાર, કોલેજના આચાર્ય શ્રી ડો. સ્વીટી રૂપારેલ, હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિડેન્ટ શ્રી ડો. આર.એન.ભટ્ટ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(11:39 am IST)