ગુજરાત
News of Saturday, 27th November 2021

પાલનપુરમાં હજારોની સંખ્યામાં યુવક-યુવતીઓ જીઆરડી ભરતી માટે આવતા ધક્કામુકીઃ પોલીસ જવાનોએ ભીડને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો

એક તરફ સરકારી નોકરીમાં ભરતી અને બીજી તરફ લાઠીચાર્જ ભારે રોષ

બનાસકાંઠા :ગુજરાતમા એક તરફ LRD-PSI ભરતી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ પાલનપુરમાં GRD ભરતી વિવાદમાં આવી છે. સરકારી નોકરીની આશાએ આવેલા નવયુવાનો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં GRD ભરતીના ઉમેદવારોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. પાલનપુરમાં હજારોની સંખ્યામાં આવેલી યુવાનો વચ્ચે ધક્કામૂક્કી સર્જાઈ હતી. જેથી પોલીસ જવાનોએ ભીડને કાબૂમાં લેવા માટે યુવાનો પર લાઠી ચાર્જ પણ કર્યો હતો.

પાલનપુરમાં આજે GRD ભરતી મેળો યોજાયો હતો. જેમાં 600 જગ્યા માટે 6 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં યુવાનો ઉમટતા સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. કોઈ પણ પ્રકારના આયોજન વગર તંત્ર દ્વારા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. એક તરફ બેરોજગારોનો મેળો જામ્યો હતો, અને વ્યવસ્થાના અભાવે તંત્ર ઊંઘતું ઝડપાયુ હતું. સવાલ એ છે કે, શું ભરતીની જાહેરાત કરી તો તંત્રને વ્યવસ્થાની ખબર નહોંતી. તંત્ર દ્વારા વ્યવસ્થા ન કરાઈ, તો બેરોજગારો પર લાઠી ઉઠાવવાની શુ જરૂર હતી. આમ, કોરોના ખતરા વચ્ચે તંત્રી ઘોર બેદરકારીની બોલતી તસવીર સામે આવી છે. 

વ્યવસ્થાના અભાવે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા યુવાનોની ધક્કામુક્કી થઈ હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે ઉમેદવારો પર લાઠી ચલાવી હતી. પોલીસ જવાનો ભીડ પર લાઠી વરસાવી રહ્યાં છે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પણ સવાલ એ છે કે, બેરોજગારો પર આવી રીતે અત્યાચાર કરવો કેટલો યોગ્ય છે. નોકરીની શોધમાં ભટકતા યુવકો આશાનુ કિરણ લઈને અહી આવ્યા છે. એક તરફ સરકારી નોકરીમાં ભરતી અને બીજી તરફ ઉમેદવારો પર  લાઠીચાર્જ, ત્યારે શુ સરકાર આ રીતે નોકરી આપશે. 

(5:20 pm IST)