ગુજરાત
News of Saturday, 27th November 2021

આણંદ:પેટલાદમાં અનાજ-કરિયાણાની દુકાનમાં બાળમજૂરી કરતા બાળકને મુક્ત કરાવી દુકાનદારો સામે ગુનો દાખલ

આણંદ : બેકારીના દરમાં દિન-પ્રતિદિન વધારો થવાની સાથે આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળમજૂરીનું પ્રમાણ વધવા પામ્યું છે. જિલ્લાની ઘણી ખરી ચ્હાની કીટલીઓ તેમજ નાની હોટલો ઉપર માસુમ બાળકો મજુરી કરતા જોવા મળે છે ત્યારે ખંભાત શહેર પોલીસે ત્રણ લીમડી વિસ્તારમાં અનાજ-કરિયાણાની દુકાન ખાતેથી એક અને પેટલાદ શહેર પોલીસે એક મોબાઈલની દુકાનમાં કામ કરતા બાળમજુરને મુક્ત કરાવી દુકાનદારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાત શહેર પોલીસ ગતરોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે શહેરના ત્રણ લીમડી વિસ્તાર નજીકથી પસાર થતાં ઐયુબખાન કરિયાણાવાળાના સ્ટોરમાં એક બાળમજૂર કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી ખંભાત પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સાથે રાખી કરિયાણાના સ્ટોરમાં તપાસ કરતા પેકિંગ કરી રહેલ એક બાળમજુર મળી આવ્યો હતો. જેના નામ-ઠામ અંગે પુછતાં તે શહેજાન બેલીમ હોવાનું અને છેલ્લા ચાર માસથી દુકાનમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્ટોરનું સંચાલન કરનાર માજીદખાન ઐયુબખાન પઠાણને પુછપરછ કરતા ઉચ્ચક વેતન આપી કામ કરાવતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૧૫ વર્ષીય બાળમજુરને મુક્ત કરાવી દુકાનદાર માજીદખાન પઠાણ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:04 pm IST)