ગુજરાત
News of Saturday, 27th November 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહીશે રખડતા શ્વાન પર માટીનું કુંડુ ફોડી નાખતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં સોસાયટીના રહીશે રખડતાં શ્વાન ઉપર માટી નું કુંડુ ફોડી આંખનો ડોળો બહાર કાઢી નાખી જીવલેણ ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.સ્થાનિક રહીશોએ જીવદયા સંસ્થાનો સંપર્ક સાંધતા સંસ્થાના  કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત શ્વાનને સારવાર અર્થે ખસેડી હુમલાખોર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .

વડોદરામાં પીપલ ફોર એનિમલ નામની સંસ્થા રખડતા પશુઓની સારસંભાળ નું કાર્ય કરે છે. ૨૨ નવેમ્બરના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાંથી જાગૃત વ્યક્તિએ ઉપરોક્ત સંસ્થા ના કાર્યકર્તા ને જાણ કરી હતી કે , ટેરેસ ઉપર  વજનદાર વસ્તુ પડવાનો અવાજ આવતા અમે ટેરેસ ઉપર દોડી ગયા હતા. જ્યાં એક વ્યક્તિ લાકડી સાથે ઉભો હતો અને નજીકમાં શ્વાન લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. તે સ્વાનની ડાબી આંખ બહાર આવી ગઈ હતી અને લોહી વહી રહ્યું હતું . તથા નજીકમાં માટી નું કુંડુ તૂટેલું પડ્યું હતું .  વ્યક્તિની પૂછપરછ કરતા સોસાયટીમાં જ રહેતો નિકુંજ સુથાર હોવાનું બહાર આવ્યું હતું . અને તેણે શ્વાન ઉપર મોઢાના ભાગે કુંડુ મારી લાકડીના ફટકા માર્યા હોવાની કબૂલાત કરી હતી . ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટયો હતો . તેવી હકીકતના આધારે સંસ્થાના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડી નિકુંજ સુથાર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .જેના આધારે પોલીસે પશુ ક્રૂરતા પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:07 pm IST)